અમદાવાદમાં 18 સહિત રાજ્યમાં 22નાં મોત


– ૩૧ કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થયાં, દિવસમાં ૩૩૦૧ ટેસ્ટ કરાયાં, ૩૯૫૩૫ લોકો ક્વૉરન્ટાઇન 

– રવિવારે અમદાવાદના ૧૭૮ સહિત રાજ્યમાં કુલ ૨૩૦ કેસ નોંધાયાં, ગુજરાતમાં કુલ ૩૩૦૯ કેસો,કુલ મૃત્યુઆંક ૧૫૫ ૨૪ કલાકમાં ૩૦ જિલ્લામાં કોરોનાના કેસો નોંધાયાં,

અમદાવાદ, તા. 26 એપ્રિલ 2020, રવિવાર

ગુજરાતમાં કોરોનાએ જાણે અમદાવાદમાં કેર મચાવ્યો છે.શહેરીજનોની કોરોના પ્રત્યેની હળવાશની સાથે સાથે બેદરકારીએ બિહામણુ ચિત્ર ઉભર્યુ છે.અમદાવાદમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છેકે,એક દિવસમાં ૧૮ લોકોના મોત નિપજ્યાં છે. લોકડાઉન,કરફ્યુ ઉપરાંત સઘન સર્વેલન્સ  સાથે ટેસ્ટિંગ છતાંય કોરોનાના કેસો જ નહીં,મૃત્યુઆંક પણ વધ્યો છે.આ જોતાં અમદાવાદીઓની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં નવા ૨૩૦ કેસો નોંધાયા છે જેથી ગુજરાતમાં કુલ કેસોનો આંકડો ૩૩૦૯ થયો છે.આ ઉપરાંત ચિંતા ઉપજાવે તેવી વાત છેકે,રવિવારના દિવસે ૧૮ લોકોનો કોરોનાએ ભોગ લીધો હતો.જોકે, આ બધાય દર્દીઓ અમદાવાદના હતાં.  જ્યારે મોડી રાત સુધીમાં સુરતમાં મૃત્યુના વધુ ચાર બનાવો નોંધાતા ૨૪ કલાકમાં મૃત્યુનો આંક ૨૨ થયો છે.

ગુજરાતમાં સૌથી વધુ કેસો અમદાવાદમાં નોધાયા છે.અમદાવાદમાં અત્યાર સુધી કોરોનાના કેસોનો આંક ૨૧૮૧ થયો છે.

જયારે રાજ્યમાં સૌથી વધુ ૧૦૪ લોકો કોરોનાના કારણે મોતને ભેટયાં છે. રાજ્ય આરોગ્ય વિભાગનુ કહેવુ છેકે, કોરોનાના કારણે તો ૮ લોકોના મોત નિપજ્યાં છે જયારે કોરોના ઉપરાંત હાઇરિસ્ક હોય તેવી ગંભીર ધરાવતાં ૧૦ દર્દીઓના મોત નિપજ્યાં છે.  

છેલ્લાં ૨૪ કલાકમાં અમદાવાદમાં ૧૭૮ કેસો, સુરતમાં ૩૦ કેસો, આણંદમાં ૮ કેસો,બનાસકાંઠામાં ૧ કેસ,ગાંધીનગરમાં ૨ કેસ, ખેડામાં ૧ કેસ,નવસારીમાં ૧ કેસ,પાટણમા ૧ કેસ,રાજકોટમાં ૪ કેસ અને વડોદરામાં ૪ કેસ નોંધાયા છે. આમ કુલ મળીને રાજ્યમાં ૨૩૦ કેસો નોંધાયા હતાં.રવિવારે રાજ્યમાં ૩૦ જિલ્લાઓમાં કોરોના પોઝિટીવના કેસો આવ્યા હતાં. 

આજે અમદાવાદમાં ૧૮ દર્દીઓના મોત નિપજ્યા હતાં જેમાં ૧૩ પુરુષ અને ૫ મહિલાઓનો સમાવેશ થાય છે. એક દિવસમાં ૧૮ લોકોના મૃત્યુ થયું હોય તેવી આ પ્રથમ ઘટના છે. 

આ બધાય દર્દીઓમાં મોટાભાગના દર્દીઓ ડાયાબિટીસ અને હાયપર ટેન્સનની બિમારીથી પિડીત હતાં. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ ૧૦૪ દર્દીઓના મૃત્યુ થયાં છે. કેસો અને મૃત્યુના આંકની દ્રષ્ટિએ અમદાવાદ સમગ્ર રાજ્યમાં મોખરે રહ્યુ છે. એટલું જ નહી,અમદાવાદ દેશનુ ચોથુ હોટસ્પોટ શહેર બન્યુ છે.અમદાવાદ શહેરમાં મૃત્યુઆંક વધતાં શહેરીજનો ચિેતાતુર બન્યાં છે. હાલમાં અમદાવાદ,સુરત,વડોદરામાં સૌથી વધુ કેસો નોધાયા છે. 

જોકે, ગુજરાતમાં સાજા ટકા થવાની ટકાવારી સામે મૃત્યુઆંક ચોંકાવનારો રહ્યો છે જેના કારણે આરોગ્ય  સુવિધા અને આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉઠયાં છે.

આ ઉપરાંત, આજે દિવસ દરમિયાન ગુજરાતમાં અમદાવાદમાં ૨૫,ભરુચમાં ૪ અને કચ્છમાં ૨ એમ કુલ મળીને ૩૧ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતીને સ્વસ્થ બન્યા હતાં. આ બધાય દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩૧૩ લોકો સાજા થયા છે. વધતાં કેસોને કાબુમાં લેવા માટે રાજ્ય આરોગ્ય વિભાગે ઘેર ઘેર જઇને રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.ગુજરાતમાં અત્યાર સુધીમાં ૫૧૦૯૧ ટેસ્ટ કરાયાં છે. આજે રાજ્યના ૨૮ જિલ્લામાં  કુલ ૬૫૦૯ રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

કોરાનાને લીધે ૩૫૭૮૦ લોકોને હોમ કવોરન્ટાઇન કરાયાંછે જયારે ૩૪૧૫ લોકો ને સરકારી કવોરન્ટાઇન સેન્ટરમાં રખાયાં છે. 

ગુજરાતમાં કુલ ૩૯૫૩૫ લોકો કવોરન્ટાઇન હેઠળ છે. ગુજરાતમાં રોજ ૨૦૦થી વધુ કેસો નોંધાઇ રહ્યાં છે. આ ઉપરાંત ૧૦થી વધુ લોકોના મોત થઇ રહયાં છે તે જોતાં ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં પરિસ્થિતી બેકાબુ બની રહી છે.

આમ છતાંય રાજ્ય આરોગ્ય વિભાગના અધિકારીઓ ટેસ્ટના આંકડા આગળ ધરીને કોરોના કાબૂમાં છે તેવુ જ રટણ રટી રહ્યાં છે. 

Source link

Leave a Comment

%d bloggers like this: