‘અમે આર્થિક, માનસિક અને ભૂખમરાથી થાકી ગયા છીએ, પાસ નહીં મળે તો પણ વતન જઇશું’

દિવ્ય ભાસ્કર

May 05, 2020, 03:14 AM IST

વડોદરા. કોરોના વાઈરસના પગલે કરવામાં આવેલા લોકડાઉનમાં ફસાઇ ગયેલા પરપ્રાંતિયો હવે પોતાના માદરે વતન જવા માટે ઉતાવળા બન્યા છે. વડોદરા નર્મદા ભવન ખાતે પરપ્રાંતિયોએ વતન જવા માટેના પાસ કઢાવવા લાંબી લાઇનો લગાવી હતી. ઉત્તરપ્રદેશના યુવાને જણાવ્યું હતું કે, હવે અમે આર્થિક, માનસિક અને ભુખમરાથી થાકી ગયા છીએ. પાસ નહીં મળે તો પણ હવે અમે વતન જવાનું નક્કી કરી લીધું છે.
પરપ્રાંતિઓએ નર્મદા ભવન ખાતે પાસ કઢાવવા માટે ભારે ધસારો કર્યો 
કોરોના વાઇરસનું સંક્રમણ વધી જતાં સરકારને લોકડાઉન વધારવાની ફરજ પડી છે. લોકડાઉન વધારવા સાથે સરકારે છેલ્લા 40 દિવસથી લોકડાઉનમાં રોકી દેવામાં આવેલા પરપ્રાંતિયોને વતન મોકલવાની કવાયત શરૂ કરી છે. પરંતુ, સરકારની અણઘડ વહિવટ અને સંકલનના અભાવને કારણે પરપ્રાંતિયોની મુશ્કેલીમાં વધારો થયો છે. વડોદરામાં રોકવામાં આવેલા અને આસપાસના શહેરોમાંથી વડોદરાથી ટ્રેનમાં જવા માટે આવી પહોંચેલા પરપ્રાંતિઓએ નર્મદા ભવન ખાતે પાસ કઢાવવા માટે ભારે ધસારો કર્યો હતો.
યુવાને કહ્યું કે, જો વડોદરાથી અમારી જવાની વ્યવસ્થા નહીં થાય તો પણ અમારા વતન જવા માટે તૈયાર છીએ
સાત જેટલા યુવાનોનું ગૃપ દહેજથી રેલ માર્ગ ઉપર ચાલતા વડોદરા આવી પહોંચ્યા હતા. રેલવે લાઇન ઉપર ભરૂચ તરફથી આવી રહેલા સાત યુવાનોને વડોદરા રેલવે પોલીસે રોક્યા હતા. અને તમામ યુવાનોને કલેક્ટર કચેરી ખાતે મોકલી આપ્યા હતા. આ યુવાનો પૈકી રાજેશ પારગીએ જણાવ્યું હતું કે, અમે વડોદરાથી ટ્રેનમાં અમારા વતન જવા માટે ચાલતા દહેજથી વડોદરા આવ્યા છે. જો વડોદરાથી અમારી જવાની વ્યવસ્થા નહીં થાય તો પણ કોઇ પણ ભોગે અમારા વતન જવા માટે અમે તૈયાર છે. 
યુવાને કહ્યું કે, અમે હવે લોકડાઉનથી ત્રાસી ગયા છે. આર્થિક, માનસિક અને ભૂખમરાથી ત્રાહીમામ પોકારી ગયા છે
વડોદરામાં છેલ્લા 40 દિવસથી રોકાયેલા હરમાનસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, અમે હવે લોકડાઉનથી ત્રાસી ગયા છે. આર્થિક, માનસિક અને ભુખમરાથી ત્રાહીમામ પોકારી ગયા છે. લોકડાઉનમાં કોઇ કામ ધંધો થયો નથી. ખિસ્સામાં પૈસા નથી. અને રેલવે તંત્ર દ્વારા ભાડુ માંગવામાં આવી રહ્યું છે. ભાડુ ક્યાંથી લાવીએ. પાસ કઢાવવા માટે એક કલાકથી ઉભો રહ્યો છું. પરંતુ, પાસ નીકળ્યો નથી. હવે તો પાસ નીકળે કે ન નીકળે અમો દસ યુવાનો અમે અમારા વતન ગમે તે ભોગે જવા તૈયાર છે.

Source link

Leave a Comment

%d bloggers like this: