કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, એક દિવસમાં 2020ના મોત, 2.94 લાખ લોકો સંક્રમિત


– દેશમાં કોરોનાના કારણે મરનારા લોકોની કુલ સંખ્યા વધીને 1,82,570 થઈ ગઈ

નવી દિલ્હી, તા. 21 એપ્રિલ, 2021, બુધવાર

કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે અને દરરોજ સર્વાધિક મૃત્યુનો નવો રેકોર્ડ બની રહ્યો છે. વર્લ્ડોમીટરના અહેવાલ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કારણે 2020 દર્દીઓના મોત થયા હતા. ગત વર્ષે મહામારીની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધીનો આ સૌથી વધુ દૈનિક મૃતકઆંક છે. દેશમાં પહેલી વખત એક દિવસમાં જ 2,000થી વધારે લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. આ સાથે જ સક્રિય દર્દીઓની સંખ્યામાં પણ ભારે વધારો થયો છે. 

છેલ્લા 24 કલાકમાં નવા 2,94,115 સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા. આ પણ દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા સંક્રમિતોનો સૌથી ઉંચો આંકડો છે. આ સાથે જ દેશમાં કોરોનાના કારણે મરનારા લોકોની કુલ સંખ્યા વધીને 1,82,570 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ લોકોની સંખ્યા 1,56,09,004 છે. હાલ દેશમાં 21,50,119 દર્દીઓ સારવાર અંતર્ગત છે જે કુલ સંક્રમિતોની સંખ્યાના 13.8 ટકા જેટલા છે. 

સાજા થવાનો દર 85 ટકાએ પહોંચ્યો

કોરોના સંક્રમિતોના સાજા થવાનો દર પણ સતત ઘટી રહ્યો છે અને હવે માત્ર 85 ટકાએ પહોંચ્યો છે. પ્રાપ્ત અહેવાલ પ્રમાણે વાયરસથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધીને 1,32,69,863 થઈ ગઈ છે. જો કે, કોરોનાથી રાષ્ટ્રીય સ્તરે મૃત્યુ દર ઘટીને 1.20 ટકા થઈ ગયો છે પરંતુ મહારાષ્ટ્રમાં આ દર 1.5 ટકા અને પશ્ચિમ બંગાળમાં 1.6 ટકા છે. 

Source link

Leave a Comment

%d bloggers like this: