કોરોનાની બીજી લહેર : એક સપ્તાહમાં કોરોનાના 10 લાખ કેસ, દિલ્હી-યુપીમાં રેકોર્ડ તુટયા


– રાજ્યો પીસીઆર ટેસ્ટ વધારે : કેન્દ્ર

– 24 કલાકમાં કોરોનાના નવા  1.61 લાખ કેસ,  ઉત્તર પ્રદેશમાં નવા 18 હજાર કેસ, સીએમ કાર્યાલયમાં અનેકને કોરોના, યોગી આઇસોલેટ 

– રસીની અછત નહીં પણ પ્લાનિંગની ખામી હાલ મોટી સમસ્યા, 13.10 કરોડ ડોઝ રાજ્યોને આપ્યા : કેન્દ્ર

– એક જ દિવસમાં દિલ્હીમાં સૌથી વધુ 13500 કેસ સામે આવતા કેજરીવાલની પ્લાઝ્મા દાન કરવાની અપીલ

નવી દિલ્હી : ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧.૬૧ લાખ કેસ સામે આવ્યા છે, જ્યારે વધુ ૮૭૯ લોકોના મોત નિપજ્યા છે અને કુલ મૃત્યુઆંક પણ વધીને હવે ૧.૭૧ લાખે પહોંચી ગયો છે. તે સાથે જ કુલ કેસોનો આંકડો ૧.૩૬ કરોડને પાર પહોંચી ગયો છે. બીજી તરફ રીકવરી રેટ ઘટીને ૮૯.૫૧ ટકાએ આવી ગયો છે. હાલ દેશમાં એક્ટિવ કેસો વધીને ૧૨.૬૪ લાખે પહોંચી ગયા છે.

દરમિયાન એક જ દિવસમાં કોરોનાના ૧૪ લાખ સેંપલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, તેથી દેશમાં કુલ ટેસ્ટનો આંકડો ૨૫.૯૨ કરોડને પાર પહોંચી ગયો છે. જે નવા કેસો સામે આવ્યા છે તેમાં ૮૦ ટકા માત્ર ૧૦ રાજ્યોના છે, આ રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, કેરળ અને રાજસ્થાનનો પણ સમાવેશ થાય છે. દિલ્હીમાં કોરોના ફેલાયો ત્યારથી લઇ અત્યાર સુધી પ્રથમ વખત નવા ૧૩૫૦૦ કેસો સામે આવ્યા છે. દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ફરી લોકોને પ્લાઝ્મા દાન કરવાની અપીલ કરી છે.  

હાલ કોરોના રસીની અછતની ફરિયાદો કેટલાક રાજ્યો કરી રહ્યા છે. એવામાં કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે કોરોનાની રસીની અછત નહીં પણ પ્લાનિંગ મોટી સમસ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચીવ રાજેશ ભુષણે કહ્યું હતું કે અત્યાર સુધીમાં કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યોને મળીને કુલ ૧૩.૧૦ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જે કુલ જરુરિયાત કરતા વધારે છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે કોરોનાની રસીની અછત નહીં પણ તેને પહોંચતી કરવાના પ્લાનિંગમાં ખામી મોટી સમસ્યા છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે દેશમાં કોરોનાની બીજી લહેર ચિંતાજનક છે, જેને પગલે રાજ્યોએ આરટી-પીસીઆર ટેસ્ટનું પ્રમાણ વધારવું જોઇએ.  

દેશમાં કોરોનાના દૈનિક કેસો બધા રેકોર્ડ તોડી જ રહ્યા છે રાજ્યોમાં પણ તેવી જ સ્થિતિ છે. દિલ્હી બાદ ઉત્તર પ્રદેશે પણ દૈનિક કેસોમાં પહેલાના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૮૦૨૧ કેસો સામે આવ્યા છે. જ્યારે ૮૫ લોકોના મોત નિપજ્યા છે જ્યારે કોરોના મહામારી ફેલાઇ ત્યારથી લઇને અત્યાર સુધી રાજ્યમાં કુલ ૯૩૦૯ લોકોના મોત નિપજ્યા છે. ઉત્તર પ્રદેશમાં સીએમ કાર્યાલય સુધી કોરોના પહોંચી ગયો છે, અનેક સ્ટાફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પોતાને આઇસોલેટ કર્યા હતા. તેઓ હાલ ઘરેથી જ પોતાના કામકાજ સંભાળશે.

Source link

Leave a Comment

%d bloggers like this: