ટ્રમ્પનો દાવોઃ આ વર્ષના અંત સુધીમાં અમેરિકા કોરોનાની વેક્સિન બનાવી લેશે

વોશિંગ્ટન, તા. 4 મે 2020, સોમવાર

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષના અંત સુધીમાં અમેરિકા કોરોના વાયરસની વેક્સિન બનાવી લેશે તેવો દાવો કર્યો છે. એક કાર્યક્રમમાં ટ્રમ્પે “અમને પૂરો વિશ્વાસ છે કે, અમે વર્ષના અંત સુધીમાં કોરોના વાયરસની વેક્સિન બનાવી લેશું” તે અર્થનું નિવેદન આપ્યું હતું. સાથે જ તેમણે સપ્ટેમ્બર સુધીમાં તમામ શાળા અને વિશ્વવિદ્યાલયોને ફરીથી ખોલવાનો આગ્રહ રાખવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. 

હાલ વિશ્વના મોટા ભાગના દેશો કોવિડ-19થી બચવા માટે સૌથી પહેલા તેની વેક્સિન શોધવા પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે ટ્રમ્પે પોતે અમેરિકી સંશોધકોને હરાવીને જે દેશ પહેલા વેક્સિન શોધશે તેના માટે રાજી છે તેમ પણ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, “જો કોઈ દેશ આવું કરશે તો મને આનંદ થશે. મને કોઈની પરવા નથી. હું ફક્ત કામ આવે તેવી વેક્સિન ઈચ્છું છું.” 

સંશોધન પ્રક્રિયામાં માનવ પરીક્ષણો વખતે જે જોખમ સર્જાઈ શકે છે તેને લગતા સવાલના જવાબમાં ટ્રમ્પે “તેઓ વોલેન્ટિયર્સ (સ્વેચ્છાકર્મી) છે અને તેમને પોતે શું કરે છે તેનું ભાન છે” તેમ કહ્યું હતું. વેક્સિનની ભવિષ્યવાણી અંગે ટ્રમ્પ પોતાના સલાહકારો કરતા આગળ નીકળી ગયા હતા જેથી ડોક્ટર્સે તેમને રોક્યા હતા પરંતુ ટ્રમ્પે પોતે જે વિચારે છે તે બોલે છે તેવો જવાબ આપ્યો હતો. 

આ તરફ માઈક્રોસોફ્ટ કોર્પોરેશનના સંસ્થાપક બિલ ગેટ્સના મતે જો કોરોના વાયરસની વેક્સિન બની જાય તો વિશ્વમાં તેના 1,400 કરોડ ડોઝ બનાવવાની જરૂર પડશે. પોતાના બ્લોગમાં તેમણે ડોઝને શક્ય તેટલી વધુ ઝડપથી વિશ્વના દરેક હિસ્સામાં મોકલવો પડશે તેમ પણ લખ્યું હતું. તેમણે લખ્યું હતું કે, જો વેક્સિન સિંગલ ડોઝમાં જ પ્રભાવશાળી સાબિત થાય તો પણ 700 કરોડ ડોઝ તૈયાર કરવાની જરૂર પડશે અને બે ડોઝની જરૂર હશે તો 1,400 કરોડ ડોઝ બનાવવા પડશે. આ કામમાં નવ મહીનાથી બે વર્ષ સુધીનો સમય લાગી શકે છે. બિલ ગેટ્સે હાલ આઠથી 10 વેક્સિન પર કામ ચાલી રહ્યું છે અને તેમાંથી કોઈ પણ સફળ થઈ શકે છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

Source link

Leave a Comment

%d bloggers like this: