ભારતમાં 24મી મે સુધીમાં કોરોના 97 ટકા નાબુદ થઈ જશે


– ૩૧મી જુલાઈ સુધીમાં ભારતમાં કોરોનાનું નામોનિશાન નહીં હોય, હવે કેસની સંખ્યાનો ગ્રાફ સતત નીચે આવશે તેવો વિજ્ઞાાનિકોનો દાવો

નવી દિલ્હી, તા. 28 એપ્રિલ 2020, મંગળવાર

ભારતમાં આગામી ૨૪મી મે સુધીમાં કોરોનાનો કેર ૯૭ ટકા સુધી ઓછો થઈ જશે. ૪થી જૂન સુધીમાં દેશ ૯૯ ટકા કોરોનામુક્ત થઈ જશે. દેશમાં ૩૧મી જુલાઈ સુધીમાં કોરોનાનું નામોનિશાન નહીં રહે. સિંગાપોરની ટેકનોલોજી એન્ડ ડિઝાઈન યુનિવર્સિટીના વિજ્ઞાાનિકોએ ગાણિતિક મોડેલ રજૂ કરીને આ દાવો કર્યો હતો.

સિંગાપોર ટેકનોલોજી એન્ડ ડિઝાઈન યુનિવર્સિટીના વિજ્ઞાાનિકોએ દુનિયાભરમાં કોરોનાના ફેલાવા અંગેના ડેટાનું એનાલિસિસ કર્યું હતું. ડેટાના વિશ્લેષણ પછી વિજ્ઞાાનિકોએ એક ગાણિતિક મોડેલ રજૂ કર્યું હતું. એ પ્રમાણે ભારતમાં ૨૪મી મે સુધીમાં ૯૭ ટકા કોરોના નાબુદ થઈ જશે. ૪થી જૂન સુધીમાં ૯૯ ટકા કોરોના કાબુમાં આવી જશે. ૩૧મી જુલાઈ સુધીમાં દેશ કોરોનામુક્ત થઈ જશે.

દુનિયામાં મે માસ પછી કોરોના સરેરાશ ૯૦થી ૯૭ ટકા કાબુમાં આવી જશે. જોકે, દુનિયાને કોરોનાઉપર સંપૂર્ણ કાબુ મેળવતા ૨૬મી નવેમ્બર સુધી રાહ જોવી પડશે. ૧૫મી જૂન સુધીમાં દુનિયાના ઘણાં ખરા  દેશોમાં ૯૯ ટકા સુધી કોરોના કાબુમાં આવી જશે.

અમેરિકામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અમેરિકા શરૂઆતથી જ કોરોના ઉપર કાબુ મેળવવામાં નાકામ નીવડયું હતું. અમેરિકાને કોરોનાથી મુક્ત થવાનો વધુ સમય લાગશે. વિજ્ઞાાનિકોના કહેવા પ્રમાણે અમેરિકાએ કોરોના સામે ૪થી સપ્ટેમ્બર સુધી ઝઝૂમવું પડશે. એ પછી અમેરિકામાં કોરોના સંપૂર્ણ કાબુમાં આવી જશે.

સિંગાપોર ટેકનોલોજી યુનિવર્સિટીના વિજ્ઞાાનિકોએ કોરોના વાયરસની લાઈફ સાઈકલ ઉપર સંશોધન કરીને અહેવાલ તૈયાર કર્યો હતો. સ્ટડીમાં ક્યા દેશે કેવાં પગલાં ભર્યા અને કેટલો ફેલાવો અટકાવ્યો તેનું પણ ધ્યાન રખાયું હતું. એના પરથી કોરોનાની લાઈફ સાઈકલ અને ફેલાવાનું મૂલ્યાંકન થયું હતું. કોરોના સામાન્ય રીતે કેટલાં દિવસમાં કેટલો હાહાકાર મચાવે છે તેનું ગણિત સમજ્યા પછી વિજ્ઞાાનિકોઆ અહેવાલ તૈયાર કર્યો હતો.

અત્યારે ભારતમાં કોરોનાની ઝડપ કેવી છે?

ભારતમાં ગત ૧૭મી માર્ચે કોરોનાનો રોજિંદો વૃદ્ધિ દર ૧૬.૧ ટકા હતો. લોકડાઉનના એક દિવસ પહેલાં ૨૩મી માર્ચે આ રોજિંદો વૃદ્ધિ દર વધીને ૨૪.૮ ટકા થયો હતો. જોકે, લોકડાઉન પછી કોરોનાના કેસમાં વધારો થવા છતાં ધીમે ધીમે વૃદ્ધિ દર કાબુમાં આવ્યો હતો. પરંતુ એપ્રિલમાં ફરી રોજિંદો ગ્રોથ રેટ વધ્યો હતો. નિઝામુદ્દીન મરકઝનો બનાવ બન્યો તે પછી અચાનક કેસની સંખ્યા વધવા માંડી હતી. એપ્રિલના છેલ્લાં સપ્તાહમાં ગ્રોથ રેટ ઘટીને ૭.૮ ટકા થયો હતો. હવે આ ગ્રોથ રેટ જો જળવાશે તો મેના છેલ્લાં સપ્તાહ સુધીમાં કોરોના કાબુમાં આવી જશે એવી શક્યતા વિજ્ઞાાનિકોએ વ્યક્ત કરી છે.

આગામી એક સપ્તાહમાં ભારતમાં કેટલા કેસ હશે?

અત્યારે કોરોનાના ફેલાવાનો રોજિંદો રેટ ૭.૮ ટકા છે. જો આ જ ગ્રોથરેટથી ફેલાવો થાય તો આગામી સપ્તાહમાં ભારતમાં કુલ કેસ ૪૭,૧૮૬ હશે. કુલ કેસમાં દરરોજ ૭.૮ ટકાનો વધારો થાય તે હિસાબે આંકડો ૪૭-૪૮ હજારની આસપાસ રહેશે. જો એક ટકાનો ઘટાડો કરવામાં સફળતા મળે તો આંકડો ૪૪ હજાર હશે, પરંતુ જો કોઈ કારણોથી આગામી એક સપ્તાહમાં ગ્રોથ રેટ એક ટકો વધી જાય તો કેસની સંખ્યા ૫૦ હજારને પાર પહોંચી શકે છે.

Source link

Leave a Comment

%d bloggers like this: