રાજ્યમાં લૉકડાઉન છતાં કોરોના બેફામ : 49નાં મોત, 441 નવા કેસ

– રાજ્યમાં હજુ 29 દર્દી વેન્ટિલેટર પર

– કોરોના મહામારી રોજ નવા રેકોર્ડ તોડે છે !

અમદાવાદ, તા.05 મે 2020, મંગળવાર

ગુજરાતમાં કોરોનાનો કેર બરકરાર હ્યો છે.રાજ્ય આરોગ્ય વિભાગના અથાગ પ્રયાસો છતાં ય હજુય કોરોનાનો પ્રકોપ જારી રહ્યો છે તેમાં ય અમદાવાદમાં તો કોરોનાએ જાણે કાળો કેર મચાવ્યો છે.ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ પરિસ્થિતી વિકટ બની છે.સ્થિતી એટલી હદે કથળતી જાયછેકે,પહેલીવાર એવુ બન્યુ છેકે,અમદાવાદમાં સૌથી હાઇએસ્ટ કહી શકાય એટલાં ૩૪૯ કેસો નોંધાયા હતાં. જયારે ગુજરાતમાં કુલ મળીને ૪૪૧ કેસો નોંધાયા હતાં.આટલી મોટી સંખ્યામાં સૌથી પ્રથમવાર કેસો નોંધાયા હતાં.

આ જોઇને જ અંદાજ લગાવી શકાય છેકે,અમદાવાદમાં કોરોના કેટલી હદે પ્રસરી રહ્યો છે.અમદાવાદીઓની ચિંતા વધતી જાય છે કેમકે,આજે પણ  માત્ર ૨૪ કલાકમાં ૩૯ દર્દીઓને કોરોના ભરખી ગયો હતો.ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના કારણે કુલ ૩૬૮ લોકો જાન ગુમાવી ચૂક્યાં છે. રાજ્ય આરોગ્ય વિભાગ પણ જાણે ઉંચા મૃત્યુદર અને કેસો અટકાવવામાં બેબસ અને લાચાર બન્યુ છે. 

કોરોનાએ અમદાવાદ સહિત ગુજરાતને ભરડામાં લીધુ છે.અત્યારે સ્થિતી એવી છેકે, રાજ્યમાં કુલ ૩૨ જિલ્લામાં કોરોનાનુ સંક્રમણ વધ્યુ છે.હવે ગુજરાતમાં એક માત્ર અમરેલી જિલ્લો જ કોરોનામુક્ત રહ્યો છે.છેલ્લાં ૨૪ કલાકમાં ૧૬ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસો નોંધાયા હતાં. આજે રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ ૩૪૯ કેસો નોંધાયા હતાં. પ્રથમવાર અમદાવાદમાં આટલી સંખ્યામાં કેસો નોંધાયા હતા.ં અમદાવાદમાં વધતાં કેસોને પગલે ૧૦ વોર્ડને રેડ ઝોન જાહેર કર્યાં છે.માત્ર રેડ ઝોન નહી પણ અન્ય ઝોનમાં કેસો નોંધાઇ રહ્યાં છે તે ચિંતાજનક બન્યુ છે. શહેરમાં પૂર્વની સાથે સાથે નદીપારના વિસ્તારોમાં ય લોકો સંક્રમિત થઇ રહ્યાં છે.

અમદાવાદમાં કુલ કેસોનો આંકડો ૪૪૨૫ સુધી પહોચ્યો છે.હવે કોરોનાને અંકુશમાં લેવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે પડકાર બન્યું છે. અમદાવાદ ઉપરાંત  વડોદરામાં ૨૦, સુરતમાં ૧૭, રાજકોટમાં ૧, ભાવનગરમાં ૨, ગાંધીનગરમાં ૨, પાટણમાં ૨, બનાસકાંઠામાં ૨, મહેસાણામાં ૧૦, બોટાદમાં ૮, ખેડામાં ૪, સાબરકાંઠામાં ૪, અરવલ્લીમાં ૨, મહિસાગરમાં ૪ કેસો નોંધાયા હતાં. ગ્રીન ઝોન ગણાતાં જૂનાગઢમાં પણ કોરોનાએ એન્ટ્રી મારી હતી કેમ કે, અહી પણ ૨ કેસો નોંધાયા હતાં. 

કોરોનાના કેસો તો વધી રહ્યાં છે પણ મૃત્યુદર ચોંકાવનારી હદે વધી રહ્યાં છે જેના કારણે રાજ્ય સરકારે એક નિષ્ણાત તબીબોની ટીમને અમદાવાદ મોકલી છે. આ ટીમ પણ મૃત્યુદરના કારણો જાણી સરકારને અહેવાલ મોકલશે.છેલ્લાં ૨૪ કલાકમાં અમદાવાદમાં ૩૯ના મોત નિપજ્યા હતાં. પહેલીવાર એવુ થયું છે કે, ૩૯ના મોત થયા હોય. મૃતકોમાં ૨૩ પુરુષો અને ૧૬ મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ ૨૭૩ના મોત થયાં છે. આ ઉપરાંત અરવલ્લીમાં ૧, ગાંધીનગરમાં ૧, ખેડામાં ૧, સાબરકાંઠામાં ૧, સુરતમાં ૨, વડોદરામાં ૩ અને મહિસાગરમાં ૧ એમ કુલ મળીને ૪૯ના મોત થયાં હતાં. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં એક સપ્તાહથી તો રોજ ૨૫થી વધુ લોકોના મોત થઇ રહ્યાં છે.

આરોગ્ય વિભાગનુ કહેવુ છેકે, આજે મૃત્યુ પામેલાં દર્દીઓ પૈકી ૧૫ દર્દીઓ માત્ર કોરોનાને લીધે મોતને ભેટયા હતાં જયારે ૩૪ દર્દીઓ એવા હતાં કે,જે હાઇરિસ્ક બિમારીથી પિડીત હતાં. જોકે,રાજ્ય આરોગ્ય વિભાગ હવે રાજ્યની કઇ હોસ્પિટલમાં કેટલાં દર્દીઓના મોત થઇ રહ્યાં છે તેનો આંકડો આપવાનુ માંડી વાળ્યુ છે.પણ રાજ્યમાં સૌથી વધુ મોત અમદાવાદ સિવિલમાં થયાં છે તે વાત હકીકત છે.હજુય ૨૯ દર્દીઓ વેન્ટિલેટર પર જીવનમરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યાં છે.

જોકે,કોરાનાના પ્રકોપ વચ્ચે સારીવાત એ છેકે,આખાય રાજ્યમાંથી કુલ ૧૮૬ જણાંને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.તેમાં ય અમદાવાદમાં ૮૪, અરવલ્લીમાં ૧, ખેડામાં ૧, મહિસાગરમાં ૧, નવસારીમાં ૧, પંચમહાલમાં ૧, રાજકોટમાં ૮, સુરતમાં ૭૬ અને વડોદરામાં ૧૧ લોકો સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ અપાયો હતો. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ ૧૩૮૧ લોકો કોરોનાને મ્હાત આપવામાં સફળ થયા છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં કોરોના બેકાબૂ બન્યો છે તેવુ ચિત્ર પ્રસ્થાપિત થયુ છે જેના કારણે શહેરીજનોમાં દહેશતનો માહોલ પ્રવર્તી રહ્યો છે.

રાજ્ય સરકાર માટે પણ અમદાવાદમાં કોરોનોનો મૃત્યુઆંક અને કેસો અટકાવવા એ પડકાર બનતુ જાય છે.

Source link

Leave a Comment

%d bloggers like this: