વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં દાખલ કોરોના શંકાસ્પદ બે દર્દીઓના મોત

બન્ને દર્દીઓ આઇસોલેશન વોર્ડમાં વેન્ટિલેટર પર હતા, બન્ને દર્દીઓની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી પરંતુ ફેંફસામાં ઇન્ફેક્શન હોવાથી નવી ગાઇડ લાઇન પ્રમાણે તેમના સેમ્પલ કોરોના ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે

વડોદરા,તા.૨૨ માર્ચ ૨૦૨૦, રવિવાર

વડોદરામાં એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કોરોના શંકાસ્પદ બે દર્દીઓના આજે મોત થતા તંત્ર દોડતુ થયુ હતું. જો કે આ બન્ને દર્દીઓને અન્ય બિમારીઓ પણ હતી અને તેમના સેમ્પલ અમદાવાદ મોકલવામાં આવ્યા છે એટલે આ દર્દીઓના મોત કોરોનાથી જ થયા છે કે કેમ તે રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે. બીજી તરફ એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં પાંચ અને ગોત્રી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં બે મળીને ૭ કોરોના શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ડભોઇ તાલુકાના ભાયાપુરા ગામના ૪૦ વર્ષના પુરૃષને છાતીમાં ઇન્ફેક્શન અને તાવ તથા શરદી ખાંસીની બિમારી સાથે બે દિવસ પહેલા દાખલ કરવામાં આવ્યો હતો. આ દર્દી વેન્ટિલેટર પર હતો. જેનું આજે સારવાર દરમિયાન મોત થયુ છે. આ દર્દીની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તે ગુજરાતની બહાર ગયો ન હતો. પરંતુ ફેફસામાં ઇન્ફેક્શન હોવાથી તેને કોરોના શંકાસ્પદ માનીને દાખલ કરવામાં આવ્યો હતો.જ્યારે શનિવારે મોડી સાંજે વડોદરાના પ્રતાપનગરમાં રહેતા એક ૬૨ વર્ષના વૃધ્ધ મહિલાને ગંભીર હાલતમાં એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા આ મહિલાને પણ ફેફસામાં ગંભીર ઇન્ફેક્શન હતુ ઉપરાંત ડાયાબિટીશ, હાઇ બ્લડ પ્રેશન અને ઓબેસિટીની પણ સમસ્યા હતા તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને ત્યાં પણ હાલત ગંભીર હતી તેમને ત્યાં વેન્ટીલેટર પર રખાયા હતા. એસએસજી હોસ્પિટલમાં તેઓને શનિવારે લવાયા બાદ તેઓ વેન્ટીલેટર પર જ હતા તેમનું પણ આજે બપોરે મોત થયુ છે. તેમના સેમ્પલ પણ મોકલવામાં આવ્યા છે.

બીજી તરફ નેપાળથી આવેલી વડોદરાનની ૨૭ વર્ષની યુવતિ, નિઝામપુરાની ૨૯ વર્ષની ગર્ભવતિ મહિલા, નિઝામપુરાના ૪૦ વર્ષના મહિલા, યુએસએથી આવેલી ૨૨ વર્ષની રાવપુરાની યુવતી અને એસએસજીમાં ફ્લુની સારવાર માટે અગાઉથી દાખલ ૬૬ વર્ષની મહિલા સહિત પાંચ મહિલાઓના તથા ગોત્રી હોસ્પિટલમાં દાખલ બે દર્દીઓના સેમ્પલ કોરોના ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે

Source link

Leave a Comment

%d bloggers like this: