AMC commissioner did lockdown-cluster-curfew-hotspot yet why the corona is not under control in ahmedabad|લોકડાઉન-ક્લસ્ટર-કર્ફ્યુ-હોટસ્પોટ બધું કર્યું અમદાવાદના કમિશનરે,છતાં કોરોના કાબુમાં કેમ આવતો નથી?

  • દુકાનો બંધ રાખવા વિટો પાવર વાપરનારા મ્યુનિ. સત્તાવાળાનો પાવર અમદાવાદમાં આંકડાને ડામવામાં કેમ પાવરલેસ થઈ જાય છે?
  • કોરોના રેડ ઝોનવાળા વિસ્તારોમાં લોકડાઉનનો બેફામ ભંગ થાય છે, છતાં મ્યુનિ. સત્તાવાળા કેમ તેને અટકાવી શકતા નથી?
  • રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર જેવા શહેરો એક સમયે આગળ હોવા છતાં ત્યાં કેસ ઘટ્યા તો અમદાવાદમાં કેમ વધે છે?

ટીકેન્દ્ર રાવલ

ટીકેન્દ્ર રાવલ

Apr 28, 2020, 02:16 PM IST

અમદાવાદ. અમદાવાદ શહેરના કોટ વિસ્તારના માત્ર 5 વોર્ડમાં કોરોના બેકાબૂ થઈ ગયો છે. અમદાવાદ મ્યુનિ.કમિશનર પાસે અત્યારે શહેરમાં કોરોનાને ડામવા માટેની સઘળી સત્તા અને જવાબદારીઓ છે. આમ છતાં, આ વિસ્તારના કેસ બીજા લોકડાઉનના અંતે 21 દિવસ કરતા પણ વધુ દિવસથી કાબુમાં આવી રહ્યાં નથી. તે જોતા આ વિસ્તારમાં હવે કોરોના ત્રીજા સ્ટેજ એટલે કે કોમ્યુનિટી ટ્રાન્સફરમાં તબદિલ થઈ ગયો છે. આમ છતાં તંત્ર દ્વારા તેને અટકાવવા માત્ર લોકડાઉનનો જ સહારો લેવાઈ રહ્યો છે. આના બદલે આ વિસ્તારોને વધુ સમય માટે ક્લસ્ટર કરીને યુદ્ધના ધોરણે ટેસ્ટ અને ટ્રીટમેન્ટ વધારવાની જરૂર છે. આ ઉપરાંત ક્લસ્ટર ક્વોરેન્ટીન કરેલા વિસ્તારોમાં અત્યારે લોકડાઉનના ચિથરાં ઉડતા દૃશ્યો સામે આવી રહ્યા છે તેમ છતાં મ્યુનિ. સહિતના સત્તાવાળાઓ આની સામે કડક પગલાં કેમ લેતી નથી તે પણ આશ્ચર્યની વાત છે.

હોટસ્પોટમાં યુદ્ધની સ્થિતિ જાહેર કરી એગ્રેસિવ ટેસ્ટિંગ-ટ્રીટમેન્ટ જ વિકલ્પ

છેલ્લા એક મહિનાથી અમદાવાદના કાલુપુર, દરિયાપુર, જમાલપુર, દાણીલીમડા અને માણેકચોક વિસ્તારમાં જ સૌથી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. આ વિસ્તારોના કેટલાક મહોલ્લા અને પોળને અગાઉ ક્વોરેન્ટીન અને ક્લસ્ટર કર્યું ત્યારે આ વિસ્તારમાં 10 હજારની વસ્તી હોવાનું જાહેર કર્યું હતું. તે જોતાં આ ક્લસ્ટરમાંથી જ હજુ રોજ કેસ વધે છે તો તેની ગંભીરતાથી તપાસ કરવાને બદલે માત્ર કેસની સંખ્યા, દર્દીઓની યાદી અને મોતના આંકડા જાહેર કરી દેવામાં આવે છે. આનાબદલે આ વિસ્તારોની સંપૂર્ણ ઘેરાબંધી કરીને ત્યાં યુદ્ધની સ્થિતિ જાહેર કરીને જરૂર પડ્યે આર્મીની મદદ લઈને એકેએક વ્યક્તિને પકડી-પકડીને તેનું ટેસ્ટિંગ અને જરૂર જણાય તો ટ્રીટમેન્ટ કરવી એ જ એકમાત્ર વિકલ્પ હોવાનું નિષ્ણાતો માને છે.

ચોક્કસ વિસ્તારોમાં વધતા કેસથી ઓછી અસરવાળા વિસ્તારના લોકોમાં વધતી પરેશાની

અમદાવાદના કેટલાક ચોક્કસ વિસ્તારોમાં જ કોરોનાના વધુ કેસના મામલે શહેરના બીજા વિસ્તારોમાં પરેશાની ફેલાઈ રહી છે. આવા ઓછી કે નહિવત અસરવાળા વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ વધી રહ્યો છે. તેમને હવે ડર લાગી રહ્યો છે કે મ્યુનિ. આટઆટલા દિવસથી કોટ વિસ્તાર સહિતના વિસ્તારોમાં કોરોનાના કેસ પર કાબૂ તો મેળવી શકી નથી તો આપણા વિસ્તારમાં તેનો ચેપ લાગતા કેવી રીતે રોકી શકશે.આવામાં આગામી દિવસોમાં અમદાવાદના સત્તાધીશો ચોક્કસ વિસ્તારમાં કોરોનાના કેસને કંટ્રોલ નહીં કરી શકે તો આખા અમદાવાદની સ્થિતિ બગડી શકે છે.

વડોદરા, સુરત, રાજકોટનું મ્યુનિ. તંત્ર અમદાવાદના લોકોને વધુ અસરકારક લાગે છે

હવે તો અમદાવાદના લોકો પણ એવું માનવા લાગ્યા છે કે આપણા કરતા તો વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોનું મ્યુનિ. તંત્ર સુવિધાઓ અને સંસાધનો કરતાં ઓછું સજ્જ હોવા છતાં વધુ અસરકારક કામગીરી કરી રહ્યું છે. આનું કારણ એ છે કે એક સમયે અમદાવાદની તુલનામાં આ ત્રણેય શહેરોમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધુ હતી પરંતુ હવે સ્થિતિ ઊંધી છે. માત્ર 21 દિવસના ગાળામાં આ શહેરોમાં તો કોરોના કાબૂમાં આવી ગયો છે પરંતુ અમદાવાદમાં સ્થિતિ કોઈ નિયંત્રણ વિનાના દાનવની જેમ વણસી છે. આ શહેરોમાં પણ અમદાવાદની જેમ કેટલાક ચોક્કસ વિસ્તારમાં જ કેસ વધુ આવતા હતા. પરંતુ આ શહેરોમાં સ્થાનિક મ્યુનિ.ની અસરકારક કામગીરીથી કોરોના કાબુમાં આવી રહ્યો છે તો અમદાવાદમાં એવું તે શું છે કે કોરોના કંટ્રોલ જ નથી થઈ શકતો?

અમદાવાદના હોટસ્પોટ વિસ્તારની જનતા લોકડાઉનને ગણકારતી નથી, ભીડ કરે છે

અમદાવાદ શહેરના કોટ વિસ્તાર કે જ્યાં કોરોનાના કેસ આખા ગુજરાતમાં સૌથી વધુ આવે છે ત્યાંની જનતા લોકડાઉનને પણ ગણકારતી નથી. આ વિસ્તારના લોકો અત્યારે માહોલ રાબેતામુજબ હોય તેમ બિન્ધાસ્ત આખા વિસ્તારમાં ભીડમાં ફરે છે. બજારમાં પણ ખરીદી માટે કિડિયારું ઊભરાઈ રહ્યું છે તેવા વિડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. આમછતાં, અમદાવાદના મ્યુનિ. સત્તાવાળાઓ સોશિયલ મીડિયામાં વિદેશની કોરોનાની સ્થિતિ સાથે અમદાવાદની સરખામણી કરીને સંતોષ લઈ રહ્યા છે. પરંતુ આજદિન સુધી તેઓ કોરોનાને કાબુમાં લેવાની કોઇ અસરકારક ફોર્મ્યુલા બનાવી શક્યા નથી. એટલું જ નહીં, કોટ વિસ્તારમાં કોરોના કાબુમાં લાવવા માત્ર શહેરના બ્રિજ થોડો સમય ખોલે છે અને પછી ફરી બંધ કરે છે. આનાથી થોડો કોરોના કાબુમાં આવશે?

Source link

Leave a Comment

%d bloggers like this: