Corona Ahmedabad Live News & Update of 27 april death toll rapidly increased|શહેરમાં નવા 198 કેસ સાથે કુલ 2379 પોઝિટિવ કેસ, વધુ પાંચ મોત સાથે મૃત્યુઆંક 109 થયો

  • ત્રણ મે સુધીમાં સારુ પરિણામ આવશે. મોં અને નાક બંધ રાખવાની આદત કેળવવી પડશેઃ AMC કમિશનર
  • અત્યાર સુધીમાં કુલ 22837  ટેસ્ટ કર્યાં, SVPની ક્ષમતા હવે લગભગ પુરી: AMC કમિશનર
  • AMC કમિશનરે બદરૂદ્દીન શેખના નિધન પર શોક વ્યક્ત કર્યો, MLA ખેડાવાલાના પ્લાઝમા ડોનેશનના નિર્ણયને આવકાર્યો

દિવ્ય ભાસ્કર

Apr 27, 2020, 10:00 PM IST

અમદાવાદ. શહેરમાં રવિવારે નવા 198 કેસ નોંધાયા છે આ સાથે કુલ દર્દીઓ 2378 થયા છે. આ ઉપરાંત આજે વધુ પાંચ દર્દીના મોત થતા મૃત્યુઆંક 109એ પહોંચ્યો છે. આરોગ્ય વિભાગની આજે જાહેર થયેલી અખબારી યાદીમાં જામનગર જિલ્લામાં કોરોનાનો એક કેસ દર્શાવાયો છે, હકીકતમાં આ દર્દી અમદાવાદમાં અભ્યાસ કરે છે અને છેલ્લા ઘણા વર્ષથી અમદાવાદમાં રહે છે. તેમનું વતનનું સરનામું જામનગર છે. આજે જામનગરમાં કોઈ એક્ટિવ કેસ નોંધાયો નથી. આમ શહેરમાં 197ને બદલે 198 નવા કેસ નોંધાયા છે.

27 એપ્રિલની સવારથી અત્યાર સુધીમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ

કડિયાની ચાલીમાં  23 અને ગોપાલનગરમાં 10 કેસ સામે આવ્યા

અસારવા વિસ્તારમાં આવેલી કડિયાની ચાલીમાં આજે 23 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે મેમનગર વિસ્તારમાં આવેલા ગોપાલનગર સહિતના વિસ્તારમાં 10 જેટલા પોઝિટિવ કેસ આવ્યા છે. મધ્ય ઝોન એટલે કે કોટ વિસ્તારમાં 40થી વધુ કેસ આજે નોંધાયા છે.
ગોતા ફ્લાય ઓવર પાસે શાકભાજીના વેચાણ માટે AMCનો પ્લોટ નક્કી, સ્થાનિકોમાં રોષ

શહેરના ગોતા ફ્લાય ઓવર પાસે APMC દ્વારા શાકભાજી વેચાણ માટે AMCનો પ્લોટ નક્કી કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. મોટા રહેણાંક વિસ્તારમાં સ્થળ નક્કી કરવામાં આવતા નાગરિકોને કોરોના ફેલાવાનો ભય સતાવી રહ્યો છે. આ વિરોધને પગલે APMCએ પોલીસ બંદોબસ્તની પણ માંગ કરી છે. આ શાક માર્કેટ સવારના 4થી 8 વાગ્યા દરમિયાન ભરાશે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં સુપર સ્પ્રેડરમાંના એક એવા શાકભાજી વેચનારા પણ કોરોનાનો શિકાર બની રહ્યાં છે.

દિલ્હી કરતા ત્રણ ગણા વધુ ટેસ્ટ, ટેસ્ટિંગ મામલે આપણે સારામાં સારી સ્થિતિમાંઃ વિજય નેહરા

કોરોના અંગે શહેરની સ્થિતિ અંગે અપડેટ આપતા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, એસવીપીમાં 642 એક્ટિવ કેસ અને 150 શંકાસ્પદ છે. આમ SVPની ક્ષમતા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. હવે નવા દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 22837 ટેસ્ટ થયા છે, અને આ આંકડો સતત વધી રહ્યો છે. ટેસ્ટિંગ મામલે આપણે સારામાં સારી સ્થિતિમાં છીએ અને દિલ્હી કરતા ત્રણ ગણા ટેસ્ટ કરીએ છીએ.

તેમજ વધુ 18 દર્દીને રજા આપવામાં આવતા કુલ 211 દર્દી સાજા થઈ ગયા છે.

જાહેરમાં થૂંકવાની કુટેવ સંપૂર્ણપણે છોડવી જોઈએ, સેનેટાઈઝર અને માસ્ક જીવનો હિસ્સો

મ્યુનિસિપલ કમિશનરે આગળ કહ્યું કે, ત્રણ મે સુધીમાં સારુ પરિણામ આવશે. મોં અને નાક બંધ રાખવાની આદત કેળવવી પડશે. હાલ ઈન્ફેક્શન દરમાં ઘટાડો થયો છે અને હેન્ડ વોશ, સેનેટાઈઝર તથા માસ્ક જીવનનું અભિન્ન અંગ બની ગયા છે. જાહેરમાં થૂંકવાની કુટેવ સંપૂર્ણપણે છોડવી જોઈએ.

સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ટૂ વ્હીલર પર 1, ફોર વ્હીલરમાં બે વ્યક્તિ જ નીકળે

લોકડાઉન બાદ પણ માસ્ક પહેરવું જરૂરી છે. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ટુ વ્હીલર પર એક વ્યક્તિ અને 4 વ્હીલરમાં બે વ્યક્તિ જ નીકળે. દુકાનદારોએ પણ સેનેટાઈઝરનો ઉપયોગ આગળ પણ ચાલુ રાખવો પડશે. આજે સવારે 11 વાગ્યા સુધીમાં શહેરમાં 1854 એક્ટિવ કેસ છે, જેમાંથી 43 વેન્ટીલેટર પર અને 1811 સ્ટેબલ છે. એસવીપીમાં 642 એક્ટિવ કેસ, 150 શંકાસ્પદ, કેપિસીટી પૂર્ણ થવા આવી છે જ્યારે સિવિલમાં 547, સમરસમાં 591 એચસીજીમાં 14, સ્ટર્લિંગમાં 16 તેમજ હજ હાઉસ અને અન્ય કોવિડ સેન્ટરમાં કુલ 1854 દર્દીઓ દાખલ છે. હું બદરુદ્દીન શેખના નિધન પર શોક વ્યક્ત કરું છું. તેમજ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા ડિસ્ચાર્જ થયા છે. તેઓ પ્લાઝમા ડોનેટ કરવાના છે અને હું તેમના આ નિર્ણયને આવકારું છું.

MLA ઈમરાન ખેડાવાલા કોરોનામુક્ત થતા રજા આપી, પ્લાઝમા પણ ડોનેટ કરશે

જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના બંને કોરોના વાઇરસના રિપોર્ટ સારવાર બાદ નેગેટિવા આવ્યા છે. આજે તેમને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમજ ખેડાવાલાએ પ્લાઝમા ડોનેટ કરવાનો પણ નિર્ણ કર્યો છે. મહત્વનું છે કે, 14 એપ્રિલે ઇમરાન ખેડાવાલાનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 

કેન્દ્રીય ટીમના શહેરમાં ધામા, શેલ્ટર હોમની મુલાકાત લીધી

હાલ શહેરની સ્થિતિ ગંભીર બની ગઈ હોવાથી દિલ્હી આવેલી કેન્દ્ર સરકારની ટીમે બે દિવસથી શહેરમાં ધામા નાંખ્યા છે. કેન્દ્રીય ટીમ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં સમીક્ષા કરશે. હાલ કેન્દ્રીય ગૃહ ટીમ કઠવાડા ગામના શેલ્ટર હોમમાં પહોંચી છે. શેલ્ટર હોમમાં 100 જેટલા પરપ્રાંતીય શ્રમિકોને રાખવામાં આવ્યા છે. તેઓને કેવી સુવિધાઓ આપવામાં આવી છે તેની સમીક્ષા કરી હતી. 

Source link

Leave a Comment

%d bloggers like this: