Corona Rajkot LIVE positive cases increase in City and Saurashtra|ભાવનગરમાં નવા 6 કેસ નોંધાયા, રોલીંગ મિલના માલિક કુમાર વોરાના 3 પરિવારજનો અને પાલીતાણામાં દંપતીને પોઝિટિવ રિપોર્ટ

  • રાજકોટમાં સાંજના 7થી સવારના 7 સુધી મેડિકલ સિવાય કોઇ પણ દુકાનો ખોલવા પર પ્રતિબંધ
  • ભાવનગરમાં વધુ પાંચ કેસ નોંધાતા પોઝિટિવ કેસની સંખ્યા 81 થઇ છે

દિવ્ય ભાસ્કર

May 06, 2020, 05:04 PM IST

રાજકોટ. ભાવનગરમાં મોડી રાત્રે વધુ પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં શહેરના ગીતા ચોકમાં રહેતા અને સિહોર નજીક રોલીંગ મિલ ધરાવતા કુમાર વોરાનો થોડા દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી તેના પરિવારજનોને સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટીન કરાયા હતા. જેમાં ત્રણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ કોરોના પોઝિટિવ કેસમાં આનંદ નિલેશ વોરા (ઉ.વ.18), આંગી કુમાર વોરા (ઉ.વ.13) અને આગમ નિલેશ વોરા (ઉ.વ.18)નો સમાવેશ થાય છે. જ્યારે પાલીતાણમાં પહેલીવાર દંપતીને પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જેમાં ચંદુભાઇ નરોત્તમભાઇ સોરઢીયા (ઉ.વ.65) અને ભાદાબેન ચંદુભાઇ સોરઢીયા (ઉ.વ.58)નો સમાવેશ થાય છે. આ દંપતીને આરોગ્ય સર્વેલન્સ ટીમ દ્વારા કોરોના શંકાસ્પદ જણાતા તેમના સેમ્પલ લીધા હતા. પરંતુ બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાત્રે જ બંનેને 108 મારફત ભાવનગર સર ટી. હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમા ખસેડવામાં આવ્યા છે. ભાવનગરમાં બપોર બાદ વધુ એક કેસ પોઝિટિવ આવતા કુલ સંખ્યા 82 થઇ છે. ભાવનગરની સમરથ છાત્રાલયમાં ક્વોરન્ટીન મતવાચોકમાં રહેતા જુબેદાબેન અશરફભાઇ પઠાણ (ઉં.વ. 38)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ અંગે ભાવનગર મનપાના કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીએ માહિતી આપી છે.

રાજકોટમાં સાંજના 7થી સવારના 7 સુધી મેડિકલ સિવાય કોઇ પણ દુકાનો ખોલવા પર પ્રતિબંધ

દેશમાં વધુ બે અઠવાડિયા સુધી લોકડાઉન-3 જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં સાંજના 7થી સવારના 7 વાગ્યા સુધી દુકાનો ખોલવા તથા ખૂબ જ અગત્યના કામકાજ સિવાય બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સમયગાળ દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખોલી શકાશે નહીં. માત્ર મેડિકલ સ્ટોરને છૂટ આપવામાં આવી છે. આ સમય દરમિયાન કોઇએ દુકાનો ખોલવી નહીં અને બહાર નીકળવું નહીં. ખૂબ જ અગત્યના કામકાજ સિવાય બહાર નીકળશે તેની વિરૂદ્ધ 7 મેના રોજથી રાજકોટ શહેર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય જિલ્લાના 1302 લોકો રાજકોટમાં આવ્યા 

અન્ય જિલ્લામાંથી રાજકોટમાં 1302 લોકો આવ્યા છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 225 વ્યક્તિએ અન્ય જિલ્લામાંથી પ્રવેશ મેળવતા તેમના વાહનોની ચાવી ગ્રામ પંચાયતે જમા લીધી છે. 14 દિવસ સુધી તમામ લોકોને ઘરમાં જ રહેવા રાજકોટ ડીડીઓ અનિલ રાણાવસીયાએ અપીલ કરી છે. રાજકોટ જિલ્લામાં પ્રવેશતા કુલ 30 પોઇન્ટ પર મેડિકલ ચેકઅપ ચાલી રહ્યું છે.

5 રેનબસેરામાં 160 લોકોનું મેડિકલ ચેકઅપ કરાયું
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોના અટકાયતીના પગલારૂપે સઘન આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી છે. મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે માનવીય અભિગમ અપનાવી, 5 મેના રોજ રેનબસેરામાં રહેતા 160 લોકોની મેડીકલ ચેકઅપની કામગીરી કરાવી હતી. સાથોસાથ કોરોના સામે રક્ષણ મેળવવા માટે દરેકને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કામગીરી પ્રાથમિક આરોગ્ય ચકાસણી મોબાઈલ ડિસ્પેન્સરી મારફત કરવામાં આવી હતી રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના ભોમેશ્વર સોસાયટી રેનબસેરા, બેડીનાકા રેનબસેરા, મરચાપીઠ રેનબસેરા, રામનગર રેનબસેરા, આજીડેમ ચોકડી રેનબસેરા એમ પાંચ રેનબસેરામાંથી 160 લોકોનું મેડિકલ ચેકઅપ તથા થર્મલ સ્ક્રીનીંગ કર્યું હતું. આ કામગીરી આરોગ્ય આરોગ્ય વિભાગની પાંચ ટીમ તથા પ્રોજેક્ટ શાખાના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.160 વ્યક્તિના પ્રાથમિક ચકાસણી કરતા 41 લોકોને સ્થળ ઉપર જ સારવાર આપવામાં આવી હતી. 

પરપ્રાંતીયો માટે પોલીસે વોટ્સઅપ નંબર જાહેર કર્યા

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી જેસીપી ખુરશીદ એહમદ તેમજ ડીસીપી રવિ મોહન સૈની તથા એસીપી એચએલ રાઠોડની સૂચનાથી થોરાળા પોલીસ સ્ટેશન દ્રારા પરપ્રાંતીય મજદૂરોના નામ, ક્યાં રહે છે,અને ક્યાં જવા માંગે છે તે તમામ માહિતી માટે એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. જેમાં બધી જ માહિતીની એન્ટ્રી કરી શકાશે. જેથી પરપ્રાંતીય મજૂરોને પોતાની માહિતી આપવા લાઈનોમાં ઉભું ના રહેવું પડે અને તેમના વતન જવામાં સરળતા થઈ શકે. તમામ પરપ્રાંતીય મજૂરોને જ્યાં સુધી પોલીસ સ્ટેશનથી ફોન આવે નહીં ત્યાં સુધી તેઓએ આવવાનું નથી. જ્યારે પોલીસ સ્ટેશન ઉપરથી ફોન આવે ત્યારે જ જણાવેલી જગ્યાએ સમયસર પહોંચવાનું રહેશે. જેનું રજીસ્ટ્રેશન થયેલું હશે અને ફોન આવેલ હશે તેમને જ બોલાવેલી જગ્યાએ જવાનું રહેશે અને તમામને પોતાના વતન મોકલવાની તૈયારી શરૂ હોય કોઇએ વતનમાં જવાની ખોટી ઉતાવળ કરવી નહીં.

કારખાનેદારો એકત્ર થઇ યુનિટ શરૂ કરવા માંગ કરી 

રાજકોટના કોઠારીયા વિસ્તારમાં કારખાનેદારો પોતાના યુનિટ શરૂ કરવાની માંગ સાથે ભેગા થયા હતા.જંગલેશ્વર વિસ્તારથી દૂર હોવા છતાં મંજૂરી મળતી નથી. શ્રમિકોને સમયસર પગાર ચુકવવામાં આવે છે. તમામ કારખાનેદાર દ્વારા  કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા છતાં ધ્યાન નથી આપવામાં આવતું તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તંત્ર ધ્યાન નથી આપતું ન હોવાના પણ આક્ષેપો કર્યા હતા.

રાજકોટમાં 138 સેમ્પલ લેવામાં આવ્યા

રાજકોટમાં 138 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 101 નેગેટિવ રિપોર્ટ આવ્યા છે જ્યારે 37ના રિપોર્ટ આવવાના બાકી છે.

(ભરત વ્યાસ, ભાવનગર)

Source link

Leave a Comment

%d bloggers like this: