Dialysis of 1300 patients is done every month in Rajkot|ખોરાકમાં મીઠું, ખાંડ, ઘી, તેલનો ઉપયોગ ઓછો કરો, રાજકોટમાં દર મહિને 1300 દર્દીઓના ડાયાલિસિસ થાય છે

  • ડાયાબિટીસ અને લોહીનું ઉંચું દબાણ કિડની બગડવાનાં સૌથી મહત્વના કારણો
  • જીવલેણ રોગોના લીસ્ટમાં કિડની ફેલ્યર છઠા ક્રમે આવતો સૌથી ગંભીર રોગ
  • કિડનીના રોગ અટકાવવાના નિયમીત કસરત અને ફાસ્ટફૂડનો ઉપયોગ નહીંવત કરો
  • ડાયાબીટીસ અને બી.પી. નિયંત્રણ, ધુમ્રપાન, તમાકુ, ગુટકા, માવા, સહિતના વ્યસનો ત્યજવા જરૂરી

દિવ્ય ભાસ્કર

Jun 22, 2020, 01:31 PM IST

રાજકોટ. ‘હું છે ને હે આખો દિવસ …. અ..મ…. બાલવીર જોઉં, કેક બનાવવાની રેસીપી જોંઉ છું મને કેક ખાવી ખૂબ જ ગમે છે પણ મમ્મી અને ડોક્ટર ના પાડે છે. તમને ખબર છે કે મારી ફેવરીટ સિરિયલ છે ને હે, તારક મહેતા છે. મારે મોટા થઈને ટીચર બનવું છે કારણ કે ટીચર બનવાથી નાના નાના બાળકો આપણને ખૂબ જ પ્રેમ કરે’ આ શબ્દો  છે 12 વર્ષીય જીયા સોજીત્રાના. જેની બંને કીડની ફેઈલ હોવાના કારણે  છેલ્લા બે વર્ષથી અઠવાડીયામાં ત્રણ વાર રાજકોટ સિવીલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસની પીડા હસતા મોઢે સહન કરીને અન્ય દર્દીઓને જીવન જીવવાનું એક પ્રેરક બળ પૂરૂ પાડે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર મહિને 1300 જેટલા દર્દીઓના ડાયાલિસિસ થાય છે. આથી ખોરાકમાં મીઠું, ખાંડ, ઘી, તેલનો ઉપયોગ ઓછો કરવો જાઇએ. 

વિશ્વભરમાં કિડનીના રોગની તકલીફ હોય તેવા લોકોની સંખ્યા 85 કરોડથી વધુ
ભારત અને વિશ્વભરમાં કિડનીના રોગોનું પ્રમાણ ભયજનક રીતે વધતું જાય છે. કિડનીના જુદા-જુદા રોગો અને ક્રોનિક કિડની ડીસીઝના દર્દીઓની સંખ્યામાં ભયજનક વધારો થઈ રહ્યો છે. દર દસમાંથી એક વ્યકિતને કિડનીનો પ્રશ્ન થવાનો ભય રહે છે. વિશ્વભરમાં કિડનીના રોગની તકલીફ હોય તેવા લોકોની સંખ્યા 85 કરોડથી વધુ છે. 24 લાખ લોકો દર વર્ષે CKDને કારણે મૃત્યુ પામે છે અને જીવલેણ રોગોના લીસ્ટમાં CKD છઠા ક્રમે આવતો ગંભીર રોગ છે. ડાયાબિટીસ અને લોહીનું ઉંચું દબાણ તે કિડની બગડવાનાં સૌથી મહત્વનાં કારણો છે. ક્રોનિક કિડની ડીસીઝ ન મટી શકે તેવો ગંભીર રોગ છે. કિડનીના દર્દીઓમાં ક્રોનિક રીનલ ફેઈલરના કારણે તેના શરીરમાં ક્રીએટીનનું પ્રમાણ વધે છે, જેના લીધે દર્દીઓને લોહીના શુદ્ધિકરણ માટે જરૂરિયાત મુજબ સપ્તાહમાં એકથી બે વાર ડાયાલિસિસ કરાવવું જરૂરી હોય છે. આ પ્રક્રિયામાં કૃત્રિમ રીતે લોહીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. આ રોગના અંતિમ તબક્કાની સારવારના બે વિકલ્પો જીવનભર ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન છે. આ સારવાર ભારે ખર્ચાળ અને ઓછા સ્થળોએ ઉપલબ્ધ હોવાને લીધે બધા દર્દીઓને ઉપલબ્ધ થતી નથી. રાજકોટ ખાતે સરકારી હોસ્પિટલ્સ, ટ્રસ્ટ તેમજ ખાનગી હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ કરાવી આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવેલ માં અમૃતમ કાર્ડ ધારકો નિઃશુલ્ક ડાયાલિસિસ કરાવી શકે છે.

સૌરાષ્ટ્રની એકમાત્ર સિવીલ હોસ્પિટલ 

સિવિલ હોસ્પિટલ (PDU) ખાતે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મનિષ મહેતાના માર્ગદર્શન હેઠળ ફરજ બજાવતા યુવા અને ઉત્સાહી ઈન્ચાર્જ ટેકનિશિયન ક્રિષ્ના કાછડીયાએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ (PDU)ખાતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ (પી.એમ.એસ.એસ.વાય)માં 24 કલાક રાઉન્ડ ધી ક્લોક ખાસ ડાયાલિસિસ વિભાગ શરુ કરાયો છે. હાલમાં ડાયાલિસિસ વિભાગમાં રોજના 55 જેટલા ડાયાલિસિસ નિઃશુલ્ક કરવામાં આવે છે. હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્રભરમાં એકમાત્ર ક્રિટિકલ સમયે ડાયાલિસિસ કરી આપતું CRRT(કન્ટીનિયુસ રીનલ રિપ્લેસમેન્ટ થેરાપી) મશીન તેમજ HDF (હિમો ડાયાફિલ્ટ્રેશન) મલ્ટી ઓર્ગન ફેલ્યોર દર્દી માટે ડાયાલિસિસ કરી આપતું મશીન નિઃશુલ્ક સુવિધા પૂરી પાડી રહ્યું છે જે એક ગૌરવની વાત છે. આ ઉપરાંત, ફેબ્રુઆરી માસથી સિવિલ હોસ્પિટલ ખાતે પ્લાઝમા ફેરેસીસની સુવિધા પણ નિ:શુલ્કપણે ઉપલબ્ધ બની છે.

રાજકોટ સિવિલમાં 30 ડાયાલિસિસ મશીનો 
ઉલ્લેખનીય છે કે, IKDRC દ્વારા સંચાલિત રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક 30 ડાયાલિસિસ અને બીપી મોનીટરિંગની સિસ્ટમ ધરાવતા મશીનો દ્વારા 365 દિવસ 24 કલાક ડાયાલિસિસની સેવા તદ્દન નિઃશુલ્કપણે આપવામાં આવે છે. અન્ય હોસ્પિટલોમાં અંદાજીત રૂ. 10 હજારના ખર્ચે થતી ડબલ હ્યુમન કેથેટરની ડાયાલિસિસ કિટ તથા તેની પ્રોસિજર અત્રે વિનામૂલ્યે આપવામાં આવે છે. પ્રતિમાસ HIVના 20 જેટલા ડાયાલિસિસ કરવામાં આવે છે. ઈમરજન્સીના કેસમાં ઈન્ડોર તથા બહારના દર્દીઓને સત્વરે સારવાર આપવામાં આવે છે. શરીરમાં લોહી બનવા માટે મદદરૂપ 10 હજાર ઇન્ટરનેશનલ યુનિટના ઈન્જેક્શનની સુવિધા વિનામૂલ્યે આપવામાં આવે છે. ડાયાલિસિસના દર્દીઓ માટે જર્મન ટેકનોલોજીની બનાવટનો વર્લ્ડ ક્લાસ R.O. વોટર સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમજ કોવિડ-19ના દર્દીઓ માટે અલગ R.O. વોટર સિસ્ટમની વ્યવસ્થા પણ છે. આ ઉપરાંત, દરેક દર્દીના બેડ પાસે એક નર્સિંગ કોલબેલની સુવિધા ઉપલબ્ધ છે. દર્દી એકવાર પણ બેલ વગાડે ત્યારે ઘડીના છઠ્ઠા ભાગમાં ફરજ પરના નર્સ દર્દી પાસે પહોંચી જાય છે અને દર્દીની જરૂરીયાત મુજબની મદદ કે સારવાર આપવામાં આવે છે. કિડનીના દર્દીઓની સારવાર માટે નેફ્રોલોજીસ્ટ ડો. મયુર મકાસણા દર બુધવારે અને શનિવારે ખાસ સેવા આપે છે.

વર્ષ 2019 દરમિયાન કુલ 3580 અને વર્ષ 2020ના મે માસ સુધીમાં કુલ 4419 જેટલા ડાયાલિસિસ કરવામાં આવ્યા

રાજકોટ સિવિલમાં વર્ષ 2019 દરમિયાન કુલ 3580 જેટલા ડાયાલિસિસ કરાયા હતા. જ્યારે વર્ષ 2020ના મે માસ સુધીમાં કુલ 4419 જેટલા ડાયાલિસિસ કરવામાં આવ્યા છે. જે પૈકી પ્લાઝમા ફેરેસીસના 39 કેસ તથા ડાયાલિસિસ પ્રોસિજરના 221 કેસનો સમાવેશ કરવામાં આવે છે. જાન્યુઆરી-2020માં 567 જેટલા ડાયાલિસિસ કરાયા હતા. જે અંતર્ગત ડાયાલિસિસ પ્રોસિજરના 37 કેસની સારવાર કરવામાં આવી હતી. ફેબ્રુઆરી-2020માં 557 જેટલા ડાયાલિસિસ કરાયા હતા જે અંતર્ગત પ્લાઝમા ફેરેસીસના 7 કેસ તથા ડાયાલિસિસ પ્રોસિજરના 45 કેસની સારવાર કરવામાં આવી હતી. માર્ચ-2020માં 953 જેટલા ડાયાલિસિસ કરાયા હતા. જે અંતર્ગત પ્લાઝમા ફેરેસીસના 8 કેસ તથા ડાયાલિસિસ પ્રોસિજરના 50 કેસની સારવાર કરવામાં આવી હતી. એપ્રિલ-2020માં 1082 જેટલા ડાયાલિસિસ કરાયા હતા જે અંતર્ગત પ્લાઝમા ફેરેસીસના 10 કેસ તથા ડાયાલીસીસ પ્રોસિજરના 42 કેસની સારવાર કરવામાં આવી હતી. મે-2020માં 1260 જેટલા ડાયાલિસિસ કરાયા હતા. જે અંતર્ગત પ્લાઝમા ફેરેસીસના 14 કેસ તથા ડાયાલિસિસ પ્રોસિજરના 47 કેસની સારવાર કરવામાં આવી હતી. આમ લોકડાઉન દરમિયાન રાજકોટ સિવિલ તંત્રના ખરા કોરોના વોરિયર્સ સમા દરેક આરોગ્યકર્મીએ ઉતકૃષ્ઠ સેવા બજાવી છે.

IKDRCના સૌરાષ્ટ્રમાં 17 જેટલા સેન્ટર કાર્યરત
IKDRCના સૌરાષ્ટ્રમાં 17 જેટલા સેન્ટર કાર્યરત છે. જેના ડાયરેક્ટર ડો. વિનીત મિશ્રા જણાવે છે કે, યોગ્ય કાળજી દ્વારા કિડની રોગ થતાં અટકાવી શકાય છે. વહેલા નિદાન દ્વારારોગ મટી શકે છે અથવા યોગ્ય સારવાર અને પરેજી દ્વારા લાંબા સમય સુધી તબિયત સારી રાખી શકાય છે. કિડનીના રોગોને અટકાવવા અને તેની કાળજી માટે વિશ્વભરના દરેક ભાગમાં રહેતા બધા જ લોકોને કિડની અંગે પ્રાથમિક માહિતી હોવી જરૂરી છે. કિડનીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો ના થાય ત્યાં સુધી રોગના કોઈ ચિહ્નો જોવા મળતા નથી.

કિડની રોગના ચેતવણીજનક ચિન્હો

નબળાઈ લાગવી, થાક લાગવો, ખોરાકમાં અરૂચી, ઉલ્ટી-ઉબકા થવા, આંખ પર સવારે સોજા આવવા, મોં અને પગ પર સોજા આવવા, નાની ઉંમરે લોહીનું ઉંચુ દબાણ હોવું અને દવા છતાં યોગ્ય કાબૂ ન હોવો, લોહીમાં ફિક્કાશ હોવી, પેશાબ ઓછો આવવો, પેશાબમાં ફીણ થવા, પેશાબ કરવામાં તકલીફ થવી, રાત્રે પેશાબ કરવા વધુ જવું પડવું. જો કોઈ વ્યકિતને ઉપર મુજબનાં ચિહ્નો હોય તો વહેલાસર ડોક્ટર પાસે જઈ તપાસ કરાવવી જરૂરી છે. કિડનીની તકલીફ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ઉંમરે થઇ શકે છે. પરંતુ ડાયાબિટીસની બીમારી અથવા લોહીનું દબાણ ઉંચુ હોવું, કુટુંબમાં અન્ય સભ્યોને કિડનીનો રોગ થયો હોય, લાંબા સમય માટે દુઃખાવાની દવા લીધી હોય, મુત્રમાર્ગમાંજન્મજાત ખોડ હોય,  જાડાપણું હોવું, ધૂમ્રપાનની ટેવ હોય તેવા કેઈસમાં કિડની રોગ થવાનું જોખમ વધારે રહે છે.

કિડની ચેકઅપ સરળ – ફકત આટલું કરો
કિડનીનાં રોગનાં વહેલા નિદાન દ્વારા જીવલેણ રોગથી બચી શકાય છે. કિડનીનાં રોગના વહેલા નિદાન માટેની સરળ પદ્ઘતિ તે લોહીનું દબાણ મપાવવું અને લોહી તથા પેશાબની તપાસ કરાવવી તે છે. લોહીનાં દબાણમાં વધારો, પેશાબની તપાસમાં પ્રોટીનની હાજરી અને લોહીમાં ક્રીએટીનની માત્રામાં વધારો તે CKDની પહેલી નિશાની હોય શકે છે.

કિડનીના રોગોથી બચવા માટે શું કરશો?

કિડનીના રોગ અટકાવવાના નિયમીત કસરત કરવી, શરીર તંદુરસ્ત રાખવું, પૌષ્ટિક ખોરાક લેવો, યોગ્ય વજન જાળવવું, ખોરાકમાં નમક (મીઠું), ખાંડ, ઘી-તેલ અને ફાસ્ટફૂડનોઉપયોગ ઓછો કરવો. શાકભાજી, ફળો અને રેસાવાળા ખોરાકનું પ્રમાણ વધારે રાખવું. ડાયાબિટીસનો હંમેશા યોગ્ય કાબૂ રાખવો, ડાયાબિટીસનાં 50 ટકા જેટલા દર્દીઓમાં કિડનીને નુકસાન થવાનો ભય રહે છે. ડાયાબિટીસનાં દરેક દર્દીએ વર્ષમાં એક વખત તો અચૂક કિડની ચેકઅપ કરાવવું જોઈએ. લોહીના દબાણનો યોગ્ય કાબૂ રાખવો. લોહીનું દબાણ 130/80થી ઓછું રાખવું તે કિડનીની સુરક્ષા માટે અત્યંત મહત્વનું છે. લોહીનું ઉંચું દબાણ હાઈબ્લડ પ્રેશર ક્રોનિક કિડની ફેલ્યરનું મહત્વનું કારણ છે. પાણી વધારે પીવું. તંદુરસ્ત વ્યકિતએ રોજ 2 લીટર (10-12 ગ્લાસ)થી વધુ પાણી પીવું. પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવાની ટેવ શરીરમાંથી બીન જરૂરી કચરો અને ક્ષારને દૂર કરવા જરૂરી છે. પથરીની તકલીફ થઈ હોય તેવી વ્યક્તિએ રોજ 3 લીટરથી વધારે પ્રવાહી લેવું જોઈએ. ધુમ્રપાન, તમાકુ, ગુટકા, માવા, દારૂનો ત્યાગ કરવો. ડોક્ટરની સલાહ વગર દવાઓ (ખાસ કરીને દુખાવા માટેની દવાઓ) ન લેવી. રૂટીન હેલ્થ ચેક અપ જરુરી. બંને કિડની 90 ટકા જેટલી બગડે ત્યાં સુધી ઘણા દર્દીઓમાં રોગના કોઈ ચિહ્નો જોવા મળતા નથી.

40 વર્ષની ઉંમર બાદ દરેક વ્યક્તિઓએ દર વર્ષે હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ
આ કારણસર કિડનીની તકલીફ થવાની શકયતા વધારે હોય ત્યારે અને 40 વર્ષની ઉંમર બાદ દરેક વ્યક્તિઓએ દર વર્ષે હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. કિડનીનાં રોગનાં ચિહ્નો જોવા મળે ત્યારે વહેલાસર ડોક્ટર પાસે તપાસ કરાવવી અને વહેલા નિદાન બાદ નિયમીત દવા લેવી અને પરેજી રાખવી. પથરી-પેશાબનો ચેપ, મોટી ઉંમરે પુરૂષોમાં બી.પી.એચ.ની તકલીફ વગેરે માટે યોગ્ય તપાસ કરાવી જરૂરી સારવાર લેવી. રાજ્ય  તેમજ કેન્દ્ર સરકર દ્વારા સ્વાસ્થ્ય અર્થે જનજાગૃતિના અનેક અભિયાન હાથ ધરવામાં આવે છે. જરૂરિયાતમંદ દર્દીઓ માટે આયુષ્માન ભારત, માં અમૃતમ તેમજ વાત્સલ્ય કાર્ડ યોજના દ્વારા નિદાન ખર્ચ સરકાર દ્વારા પર્યાપ્ત કરવામાં આવે છે.

Source link

Leave a Comment

%d bloggers like this: