hair salons and tea stalls will be opened in the orange-green zone in gujarat|રાજ્યના ગ્રીન ઝોનમાં એસટી બસોને 30 મુસાફરોના વહન સાથે છૂટ, ઓરેન્જ-ગ્રીનઝોનમાં હેર સલૂન અને ટી સ્ટોલ ખુલી શકશે

દિવ્ય ભાસ્કર

May 03, 2020, 10:25 PM IST

અમદાવાદ. કોવિડ-19ના સંક્રમણને રોકી કોરોનાની વૈશ્વિક મહામારીને હરાવવા ભારત સરકારના દિશા નિર્દેશોને પગલે મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને ઉચ્ચકક્ષાની બેઠકમાં લૉકડાઉન લંબાવવા અને તેના ચૂસ્ત અમલ કરવા અંગે કેટલાક નિર્ણયો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગેની વિગતો આપતા મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, રાજ્યના રેડઝોનમાં આવેલા પાંચ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગરમાં કોઈ જ વધારાની છૂટછાટ આપવામાં આવી નથી. ઓરેન્જ ઝોનમાં આવેલા રાજકોટ મહાનગરપાલિકાને પણ કોઈ જ વધારાની છૂટછાટ આપવામાં આવી ન હોવાથી લોકો રેડઝોનની જેમ જ લૉકડાઉનનું પાલન કરવામાં સહકાર આપે.

છ નગરપાલિકા વિસ્તારમાં પણ છૂટછાટમાં કોઈ જ વધારો કર્યો નથી
મુખ્યમંત્રીના સચિવ મુજબ, આ ઉપરાંત રેડઝોનમાં આવેલા બોટાદ, બોપલ, ખંભાત, બારેજા, ગોધરા, ઉમરેઠ એમ છ નગરપાલિકા વિસ્તારમાં પણ છૂટછાટમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી કે કોઇ વધારાની છૂટછાટ આપવામાં આવી નથી. આ જાહેર કરાયેલા રેડઝોન વિસ્તારમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ વ્યવસાય, ખાનગી કચેરીઓ શરૂ કરી શકશે નહીં. આ વિસ્તારોમાં જીવન જરુરિયાતની વસ્તુઓ જેવી કે દૂધ, અનાજ, કરિયાણા, શાકભાજી, ફ્રૂટ, અને દવા સિવાય કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. ગુજરાતમાં અમદાવાદ,સુરત,વડોદરા,ગાંધીનગર,ભાવનગર વગેરે મહાનગરપાલિકાઓમાં કારોનાના પોઝિટિવ કેસોનું પ્રમાણ વધુ હોવાથી આ મહાનગરપાલિકાઓ વિસ્તારોમાં લોકડાઉનનું કડક અને સખ્તાઇથી પાલન કરવામાં આવશે તેની સાથે જ જ્યાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધુ છે તેવા જિલ્લાઓમાં પણ લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવમાં આવશે.

ટી સ્ટોલ ઉપર ડિસ્પોઝેબલ કપ/ગ્લાસનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે
અશ્વિની કુમારે વધુમાં કહ્યું કે ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા લોકોની બિનજરૂરી અવરજવર અને ભીડને રોકવા સમગ્ર ગુજરાતમાં આગામી બે અઠવાડિયા સુધી પાન-મસાલાની દુકાનો અને વેચાણ પરવાનો ધરાવતી દારૂની દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રાજ્યના ઓરેન્જ અને ગ્રીનઝોન તરીકે જાહેર થયેલા વિસ્તારોમાં હેરકટીંગ સલૂન, બ્યુટીપાર્લર, ટી સ્ટોલ અને ચા-કોફીની દુકાન ચાલુ કરી શકાશે. પરંતુ ટી સ્ટોલ ઉપર ડિસ્પોઝેબલ કપ/ગ્લાસનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે. ગ્રીનઝોનવાળા જિલ્લામાં એસટી બસોમાં 50 ટકા એટલે કે 30 મુસાફરોનું વહન કરી શકાશે. જો આનાથી વધુ મુસાફરો વહન કરતાં પકડાશે તો ડ્રાઈવર અને કડક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગ્રીનઝોન વિસ્તારો પૂરતા આંતરજિલ્લા અને જિલ્લાની આંતરિક બસ સેવાઓ શરુ થઇ શકશે. 

વેચાણકારોને આપવામાં આવેલા પાસ ફરીથી રીન્યૂ કરાવવાના રહેશે નહીં
અશ્વિની કુમારે આગળ કહ્યું કે ઓરેન્જ અને ગ્રીનઝોન વિસ્તારોમાં ટેક્સી કે કેબમાં ડ્રાઇવર અને તેની સાથે અન્ય બે જ લોકો મુસાફરી કરી શકશે. રાજ્યમાં સાંજે 7થી સવારે 7 સુધી કોઇપણ ઝોનમાં બહાર અવરજવર કરવા દેવાશે નહીં. અગાઉ જીવન જરૂરી ચીજવસ્તુઓના વહન માટે આપેલા પાસ આગામી 17 મે સુધી ભરેલા કે ખાલી માલવાહક વાહનોને સમગ્ર રાજ્યમાં વગર રોકટોકે અવરજવરની છૂટ આપી છે. અગાઉના લોકડાઉનના સમય દરમિયાન આવશ્યક સેવાઓ અને ચીજ વસ્તુઓના વેચાણકારોને આપવામાં આવેલા પાસ ફરીથી રીન્યૂ કરાવવાના રહેશે નહીં. તેની મુદતમાં હાલના લોકડાઉનના સમયનો વધારો આપોઆપ કરી દેવાશે.

ઘરમાં રહીને જ તહેવારો ઉજવવા
સચિવે કહ્યું હતુ કે, અગાઉ ચૈત્રી નવરાત્રી, રામનવમી અને હનુમાન જયંતી જેવા હિંદુ તહેવારો હિંદુ ભાઈ-બહેનોએ ઘરમાં રહીને જ ઊજવ્યા તેમ મુસ્લિમ ભાઈઓને પણ રમજાનના પવિત્ર માસમાં પોતાના ઘરમાં જ રહીને ઈબાદત કરવા મુખ્યમંત્રીએ મુસ્લિમ ભાઈ-બહેનોને અપીલ કરી હતી.

Source link

Leave a Comment

%d bloggers like this: