In Rajkot, whether there is corona disease or not, the elderly, children, pregnant women and the sick are kept at home and the rest go to live separately.|રાજકોટમાં કોરોનાની બીમારી હોય કે ન હોય વૃદ્ધો, બાળકો, સગર્ભા અને બીમારને ઘરે રાખી બાકીના અલગ રહેવા જાય

દિવ્ય ભાસ્કર

Jun 22, 2020, 04:00 AM IST

રાજકોટ. રાજ્યમાં કોરોનાથી થયેલા મોતમાં 70 ટકા મોત વૃદ્ધો અને ગંભીર બીમારી ધરાવતા વ્યક્તિઓના થયા છે તેવું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું છે. આ આંકના આધારે જ વિસ્તારમાં હાઈરિસ્ક પોપ્યુલેશન એટલે કે વૃદ્ધો અને ગંભીર બીમારી ધરાવતા લોકોને ચેપથી બચાવવા માટે સ્વેચ્છાએ રિવર્સ ક્વોરન્ટાઈનની પદ્ધતિ અમલમાં મૂકી છે. આ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. પણ તેમાં લોકોને તેમના જ ઘરમાંથી બીજે મોકલી દેવાનો વિચિત્ર નિયમ રાખ્યો છે. પરિપત્ર મુજબ આરોગ્ય કર્મચારીઓએ હાઈરિસ્ક પોપ્યુલેશનના ઘરની મુલાકાત લેવી અને ઘરે ક્વોરન્ટાઈન કરવાની સુવિધા એટલે કે અલગ રૂમ અને એટેચ બાથરૂમની વ્યવસ્થા ચકાસવી. જો ક્વોરન્ટાઈનની સુવિધા ન થાય તેમ હોય તો પરિવારના અન્ય સભ્યોએ વિસ્તારમાં જ અન્ય જગ્યાએ જતા રહેવું તેમજ ઘરે સંભાળ રાખવા એક કે બે જ વ્યક્તિને રાખવી.

આ વિચિત્ર નિયમને કારણે કઈ રીતે કામગીરી કરવી તે મામલે આરોગ્ય કર્મીઓ મૂંઝાયા છે. કારણ કે, ગ્રામ્ય વિસ્તારમાં કોમન જ બાથરૂમ મોટાભાગે વપરાય છે. ઘર પરિવારો પાસે અલાયદા રૂમ પણ નથી હોતા. તો તેવી સ્થિતિમાં ઘર ખાલી કરીને બીજે ક્યા રહેવા જાય તે પ્રશ્ન છે. જો આ પદ્ધતિ નગરપાલિકા કે શહેરમાં અમલી બનાવાય તો તેનો અમલ વધારે મુશ્કેલ બનશે. વળી હાઈરિસ્ક ગ્રૂપમાં વૃદ્ધો અને બાળકોનો પણ સમાવેશ છે ત્યારે તેમને એક વ્યક્તિને સહારે છોડવા તે ઉચિત છે કે કેમ? આરોગ્ય વિભાગે શું વિચારીને આ નિયમ રાખ્યો છે તેનાથી ફિલ્ડ વર્ક કરનારા તબીબો અને આરોગ્ય કર્મીઓ સમજી શક્યા નથી. 

રિવર્સ ક્વોરન્ટાઈન માટે આરોગ્ય કર્મઓએ કરવાની કામગીરી

  • હાઈરિસ્ક પોપ્યુલેશનના ઘરની મુલાકાત લઈ ઘરે ક્વોરન્ટાઈન કરવાની સગવડ(અલગ રૂમ અને એટેચ બાથરૂમ) ની વ્યવસ્થા ચકાસવી 
  • ઘરમાં ક્વોરન્ટાઈન કરવાની સુવિધા ન થાય તેમ હોય તો ઘરનાં અન્ય વ્યક્તિઓએ વિસ્તારમાં જ અન્ય જગ્યાએ જતા રહેવું અને ઘરે સંભાળ રાખવા એક અથવા બે વ્યક્તિ રહે.
  • ગ્રામ સંજીવની સમિતિ, મહિલા આરોગ્ય સમિતિ, રોગી કલ્યાણ સમિતિના સભ્યો તેમજ અન્ય સેવાભાવી વ્યક્તિઓને હાઈરિસ્ક પોપ્યુલેશનની સેવા કરવા તૈયાર કરવા.
  • આરોગ્ય ટીમ દ્વારા દૈનિક મોનિટરિંગ, પલ્સ ઓક્સિમિટરમાં ઓક્સિજન લેવલ 95 ટકાથી ઘટે તો દવાખાને લઇ જવા
  • રોગપ્રતિકારક શક્તિ વધારનારી આયુષ કિટ વહેંચવી, ઘરેલુ ઉપચાર માટે માર્ગદર્શિકા આપવી.
  • હાઈરિસ્ક વ્યક્તિના ઘરે સેનિટાઈઝેશન કરવા ગ્રામપંચાયતે બ્લીચિંગ પાઉડર આપવો.
  • દૈનિક રિપોર્ટ તૈયાર કરવો અને શંકાસ્પદ લક્ષણો દેખાય તો સારવાર આપવી.

હાઈરિસ્ક પોપ્યુલેશનમાં આ લોકોનો સમાવેશ 
65 વર્ષથી વધુની ઉંમર, ડાયાબિટીસ, બી.પી., સ્ટિરોઈડ કે અન્ય રોગપ્રતિકારક શક્તિ ઘટાડનારી દવા લેનાર, અંગપ્રત્યારોપણ, સગર્ભા, 10 વર્ષથી નાના બાળકો તેમજ અન્ય મેડિકલ બીમારી ધરાવતા લોકો.

Source link

Leave a Comment

%d bloggers like this: