Irrfan khan life interesting facts|જ્યારે પૂરા ગ્રૂપમાં માત્ર ઈરફાન પાસે મોબાઈલ હતો, પૈસાની તંગી હોવા છતાંય સૌરભ શુક્લા માટે વિમાનની ટિકિટ ખરીદી હતી

દિવ્ય ભાસ્કર

Apr 29, 2020, 05:43 PM IST

મુંબઈ. ઈરફાન ખાન હવે સદેહે આપણી વચ્ચે નથી. બોલિવૂડમાં સૌથી બિંદાસ અભિનેતા તરીકે ઓળખાતા ઈરફાન ખાને 29 એપ્રિલે સવારે અંતિમ શ્વાસ લીધા હતાં. ઈરફાન ખાન એ અભિનેતા હતાં, જે યારોના યાર હતાં. તેમણે સંઘર્ષમાં પણ ક્યારેય મિત્રોની મદદ કરવામાં પાછું જોયું નથી. ઈરફાન ખાનના જીવન સાથે જોડાયેલા આવા જ કેટલાંક કિસ્સા પર નજર કરીએ. 

સૌરભ શુક્લા પિતાના નિધન પર ભાંગી પડ્યા હતાં, ઈરફાને સાંત્વના આપી હતી
સૌરભ શુક્લાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, આ તે સમયની વાત છે, જ્યારે ભારતમાં નવો-નવો મોબાઈલ આવ્યો હતો અને અમારા મિત્રોના ગ્રૂપમાં માત્ર ઈરફાન પાસે જ ફોન હતો. તમામ મેસેજ તેમના મોબાઈલ પર જ આવતા હતાં. જોકે, તે ક્યારેય ગુસ્સે થતા નહીં. મને આજે પણ એ દિવસ યાદ છે, જ્યારે મારા ઘરેથી મેસેજ આવ્યો હતો કે મારા પિતાજી હવે નથી. આ સાંભળ્યા બાદ હું ભાંગી પડ્યો હતો. જોકે, ઈરફાને મને આ દુઃખની ઘડીમાં સાંત્વના આપી હતી. તે દિવસે અમારી પાસે ખાસ પૈસા પણ રહેતા નહીં. જોકે, ઈરફાન એરપોર્ટ ગયો અને ફ્લાઈટની ટિકિટ ખરીદીને આવ્યો હતો.

અમેરિકન સીરિઝ ‘ઈ ટ્રીટમેન્ટ’ના દરેક સીન પહેલાં ઈરફાન રડ્યાં હતાં
ઈરફાન ખાને વર્ષ 2008-10માં અમેરિકન ટીવી સીરિઝ ‘ઈન ટ્રીટમેન્ટ’માં કામ કર્યું હતું. ઝુમ્પા લાહિડીની વાર્તા પર આધારિત આ સીરિયલમાં બ્રુકલિનમાં એક બંગાળી વિધુરની થેરપી બતાવવામાં આવી હતી. આ સીરિઝના દરેક સીન પહેલાં ઈરફાન રડતાં હતાં. તેમને પેજ ભરી ભરીને સંવાદો યાદ કરવા પડતા હતાં. એક સમયે તેમણે ડ્રામામાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. જો એક અભિનેતા બે લાઈન પણ ભૂલી જાય તો તેને પછી 15 મિનિટનો ટેક આપવો પડતો હતો. નિરાશ ઈરફાને મદદ માટે ન્યૂ યોર્કમાં હાજર પોતાના મિત્ર નસીરૂદ્દીન શાહને ફોન કર્યો હતો અને જવાબ મળ્યો હતો કે સફળતાનું સૌથી સરળ સૂત્ર એ છે કે લાઈન સારી રીતે યાદ કરવામાં આવે. 

પહેલી ફિલ્મનું શૂટિંગ શરૂ થાય તે પહેલાં જ સપનું તૂટી ગયું હતું
ઈરફાન ખાનની ડેબ્યૂ ફિલ્મ ‘સલામ બોમ્બે’ હતી. ફિલ્મના ડિરેક્ટર મીરા નાયરે ઈરફાનને કોલેજની એક વર્કશોપમાં જોયા હતાં. મીરાએ ઈરફાનને મુંબઈમાં વર્કશોપ એટેન્ડ કરવાની ઓફર કરી હતી. ઈરફાન ખુશ થઈ ગયો. 20 વર્ષનો ઈરફાન મુંબઈ જઈને રઘુવીર યાદવની સાથે એક ફ્લેટમાં રહેવા લાગ્યો હતો. આ ફ્લેટ મીરા નાયરે ભાડે લીધો હતો. ફિલ્મની વાર્તા મુંબઈના સ્ટ્રીટ કિડ્સ પર આધારિત હતી. ઈરફાને રિયલ સ્ટ્રીટ કિડ્સ સાથે વર્કશોપ કરવાની હતી. જોકે, શૂટિંગ શરૂ થવાના બે દિવસ પહેલાં જ મીરાએ ઈરફાનનો રોલ કાપી નાખ્યો. ઈરફાનને લેટર રાઈટરનો રોલ આપી દેવાયો. આમ તો આ રોલ ફિલ્મ હોય કે ના હોય તેનાથી કોઈ ફેર પડતો નહોતો. આ સમયે ઈરફાન પોતાના મિત્ર રઘુવીર તથા સૂની તારાપોરવાલાના ખભે માથું મૂકીને ખૂબ રડ્યાં હતાં. ઈરફાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, મને યાદે છે કે મીરાએ મારો રોલ કાપી નાખ્યો તે વાત કહી ત્યારે હું આખી રાત રડ્યો હતો.

છ મહિના અમેરિકામાં રહેવા છતાંય 10 લાખ જ મળ્યાં હતાં
‘સલામ બોમ્બે’માં રોલ કટ થયા બાદ મીરા નાયરે ઈરફાનને અન્ય કોઈ ફિલ્મમાં લીડ રોલ આપવાનું વચન આપ્યું હતું. જોકે, આ વચન પૂરું કરવામાં 18 વર્ષ થયા હતાં. મીરાએ ‘ધ નેમસેક’માં લીડ રોલ આપ્યો હતો. આ ફિલ્મ 2006માં રિલીઝ થઈ હતી. જોકે, તે સમયે ઈરફાનનો સંઘર્ષ પૂરો થયો નહોતો. જ્યારે આ ફિલ્મના શૂટિંગ માટે ઈરફાન ખાન છ મહિના માટે અમેરિકામાં રહ્યાં ત્યારે મીરા નાયરે માત્ર 10 લાખ રૂપિયા આપ્યા હતાં. 

NSDના પોતાના જુનિયર માનવ કૌલને કામ આપ્યું હતું
‘તુમ્હારી સુલૂ’ જેવી ફિલ્મમાં કામ કરી ચૂકેલો માનવ કૌલ NSDમાં ઈરફાન ખાનનો જુનિયર હતો. સંઘર્ષના દિવસોમાં ઈરફાને માનવને કામ અપાવ્યું હતું. આ વાતનો ખુલાસો માનવે કર્યો હતો. તેણે કહ્યું હતું, જ્યારે હું પહેલીવાર તેમને મળ્યો ત્યારે તે પોતાની મારૂતિ 800 ડ્રાઈવ કરીને ટીવી સિરિયલ ‘બનેગી અપની બાત’ના શૂટિંગ માટે જતા હતાં. મારી સ્ટ્રગલ જોઈને મને શોમાં કામ અપાવ્યું હતું. જોકે, મેં માત્ર ત્રણ એપિસોડ શૂટ કર્યાં હતાં. 

ક્યારેય બોલિવૂડ છોડવું નહોતું
ઈરફાન એ એક્ટરમાં સામેલ છે, જેમને બોલિવૂડની સાથે સાથે હોલિવૂડમાં પણ સફળતા મળી હતી. એક ઈન્ટરવ્યૂમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શુ તેઓ ક્યારેય હોલિવૂડ શિફ્ટ થઈ શકે છે? તો તેમણે જવાબ આપ્યો હતો કે તે પોતાના મૂળને એટલે કે બોલિવૂડને ક્યારેય છોડશે નહીં. ખ્યાલ નથી કે ભવિષ્યમાં તેમની સાથે શું થવાનું છે પરંતુ તે ક્યારેય હોલિવૂડમાં સેટલ થશે નહીં. આનું એકમાત્ર કારણ એ છે કે તે ક્યારેય ત્યાં હૃદયનું સાંભળીને ફિલ્મ કરી શકશે નહીં. ત્યાં તમામ પ્રકારની ફિલ્મ કરવા માટે મજબૂર થવું પડશે. 

Source link

Leave a Comment

%d bloggers like this: