Jagannathji’s rathyatra of 1 km from Kailasadham Ashram to Mokaji circle will start, only 3 raths will go|રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળશેઃ કૈલાસધામ આશ્રમથી મોકાજી સર્કલ સુધી 1 કિ.મીની રથયાત્રામાં 3 રથ જ ફરશે

  • અષાઢી બીજનું શુકન સાચવવા આયોજન: ભાવિકો ભેગા નહીં કરાય

દિવ્ય ભાસ્કર

Jun 22, 2020, 07:08 AM IST

રાજકોટ. કોરોના મહામારીને પગલે દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવા પર કોર્ટે પણ રોક ફરમાવી છે ત્યારે રાજકોટમાં સાદગીથી પણ શુકન સાચવવા માટે રથયાત્રા કાઢવાનો નિર્ણય કરાયો છે. શહેરના નાનામવા રોડ પર આવેલા કૈલાસધામ જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મોહનદાસગુરુ રામકિશોરદાસે જણાવ્યું છે કે, છેલ્લા 12 વર્ષથી રાજકોટમાં રથયાત્રા યોજાય છે. આ વખતે કોરોના મહામારીને કારણે એકદમ સાદાઈથી રથયાત્રા યોજવા નિર્ણય કરાયો છે. આ અંગે રાજ્યના અન્ય જગન્નાથ મંદિરોના મહંતો સાથે પણ વાર્તાલાપ કરાયો છે. રાજકોટમાં અષાઢી બીજે સંભવત સવારે 8 કલાકે રથયાત્રા નીકળશે. આ વર્ષે રથયાત્રા આખા શહેરમાં ફરવાને બદલે મંદિરની નજીક જ માત્ર એક કિલોમીટરમાં ફરશે, વિવિધ આકર્ષક ફ્લોટસ પણ નહીં હોય માત્ર ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીના ત્રણ રથ જ નીકળશે.

સોશિયલ ડિસ્ટન્સથી દર્શન કરવા દેવાશે
રથયાત્રામાં સરકારના નિયમોનું પાલન કરાશે. ભાવિકોને ભેગા નહીં થવા દેવાય. કૈલાસધામ આશ્રમથી મોકાજી સર્કલ સુધી રથયાત્રા જશે અને ત્યાંથી પરત આશ્રમે જ પૂર્ણાહુતિ કરાશે. સંભવત એકથી દોઢ કલાકમાં જ રથયાત્રાની પૂર્ણાહુતિ કરાશે.કોરોના મહામારીને લીધે સરકારે હાલ કોઈપણ ધાર્મિક કાર્યક્રમો, મેળાવડા, સંમેલન કરવા પર મનાઈ ફરમાવી છે. દર વર્ષે અષાઢી બીજે રાજકોટમાં નીકળતી પરંપરાગત રથયાત્રા અંગે પણ આ વર્ષે અનિશ્ચિતતા પ્રવર્તી રહી હતી, પરંતુ સરકાર જે નિયમો કહેશે તે નિયમોનું પાલન કરી અને લોકોને પણ કરાવાશે. લોકોને પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી ભગવાન જગન્નાથના દર્શન કરવા દેવાશે. કૈલાસધામ આશ્રમ ખાતે ભગવાનના રથ પણ તૈયાર કરી દેવાયા છે. જગન્નાથ મંદિરના સંત, સેવકો સહિતના ગણતરીના જ લોકો માત્ર શુકન અને પરંપરા જાળવવા મંદિર નજીક રથયાત્રા યોજશે.

Source link

Leave a Comment

%d bloggers like this: