Marvel Studios announces release date of ‘Black Widow’ to Eternals|માર્વલ સ્ટૂડિયોએ ‘બ્લેક વિડો’થી ‘એટરનલ્સ’ની રિલીઝ ડેટ જાહેર કરી

Divyabhaskar.com

Mar 06, 2020, 01:04 PM IST

લોસ એન્જલસઃ માર્વલ સ્ટૂડિયોએ પોતાના ચોથા તબક્કાની ફિલ્મ્સની જાહેરાત ગયા વર્ષે કરી હતી. હવે, માર્વલે આ ફિલ્મ્સ ભારતમાં ક્યારે રિલીઝ થશે, તેને લઈ જાહેરાત કરી હતી. આ લિસ્ટમાં સૌ પહેલાં ‘બ્લેક વિડો’ રિલીઝ થવાની છે. ઉલ્લેખનીય છે કે સુપરહિરો ફિલ્મ ‘એવેન્જર્સઃ એન્ડગેમ’ની સાથે માર્વલ યુનિવર્સનો 10 વર્ષનો લાંબો સમય પૂરો થયો છે. ‘આયરન મેન’, ‘બ્લેક વિડો’, ‘કેપ્ટન અમેરિકા’, ‘ધ હલ્ક’, ‘થોર’ સહિતની અનેક ફિલ્મ્સ સાથે શરૂ થયેલો માર્વલ યુનિવર્સનો ત્રીજો ફૅઝ પૂરો થયો હતો. ચોથો તબક્કો ‘સ્પાઈડર મેન ફાર ફ્રોમ હોમ’થી શરૂ થયો છે.

‘એવેન્જર્સ એન્ડગેમ’માં બ્લેક વિડોના પાત્રના નિધન બાદ હવે માર્વલ આના પર સોલો ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ 30 એપ્રિલ, 2020માં રિલીઝ થશે. ફિલ્મને કેટ શોર્ટલેન્ડે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં સ્કારલેટ જોહાનસન ઉપરાંત હોલિવૂડ સ્ટાર્સ ફ્લોરેન્સ, રેચલ વેઈસ તથા ડેવિડ હાર્બર હશે. આ ફિલ્મ બાદ ‘ધ એટરનલ્સ’ છ નવેમ્બર, 2020ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં હોલિવૂડ એક્ટર રિચર્ડ મૈડેન, એન્જેલિના જોલી, કુમૈલ, લૉરેન રિડલોફ, બ્રાયન હૈનરી, સલમા હાયેક સહિતના કલાકારો જોવા મળશે.

માર્વલ સિનેમેટિક યુનિવર્સના પરિવારમાં એક નવો સુપરહિરો આવશે. માર્વલ સ્ટુડિયો ‘શાંગ ચી એન્ડ ધ લિજેન્ડ ઓફ ધ ટેન રિંગ્સ’ નામની ફિલ્મ બનાવશે. આ ફિલ્મમાં માર્વલ પોતાનો પહેલો એશિયન સુપરહિરો બતાવશે, જે માર્શલ આર્ટ્સ કરતો હશે. આ ફિલ્મમાં સિમુ લી, ઔક્વાફિના તથા ટોની લેઉંગ જેવા કલાકારો છે. આ ફિલ્મ 2021માં 12 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. ફિલ્મ ‘ડોક્ટર સ્ટ્રેન્જ’ની સીક્વલ ‘ડોક્ટર સ્ટ્રેન્જ ઈન ધ મલ્ટીવર્સ ઓફ મેડનેસ’ આવતા વર્ષે સાત મેના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં એક્ટર બેનેડિક્ટ તથા એલિઝાબેથ ઓલ્સન હશે.

ક્રિસ હેમસ્વોર્થની ફિલ્મ ‘થોરઃ લવ એન્ડ થન્ડર’ પાંચ નવેમ્બર, 2021માં રિલીઝ થશે. આ ફિલ્મમાં માર્વલનો સુપરહિરો લેસ્બિયન હશે. ટેસા ફિલ્મમાં વેલકરીનો રોલ પ્લે કરશે, તે લેસ્બિયન હશે. ફિલ્મમાં નતાલી પોર્ટમેન ફિમેલ થોરનું પાત્ર ભજવશે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ‘બ્લેક વિડો’નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું અને ચાહકોને તે પસંદ આવ્યું હતું. ‘ધ એટરનલ્સ’ની પણ ચર્ચા અવાર-નવાર થતી રહે છે. આ ફિલ્મમાં એક્ટર કુમૈલ બોલિવૂડ એક્ટરનો રોલ પ્લે કરશે, તેમ માનવામાં આવે છે.

Source link

Leave a Comment

%d bloggers like this: