Ration mafia Raju Marwadi absconding, grain trader Jitu Makwana and Congress leader Bhailal Makwana also escaped|રેશન માફિયા રાજુ મારવાડી ફરાર, અનાજનો વેપારી જીતુ મકવાણા અને કોંગ્રેસ અગ્રણી ભાઇલાલ મકવાણા પણ ભાગી છૂટ્યા

  • મંજુસરની વિનાયક ફ્લોર મિલને નોટિસ, કૌભાંડ પકડાયું તે પૂર્વે જ જીતુ પકિઅપ વાનમાં જથ્થો લઇ ગયો હતો 
  • રાજુ મારવાડીને શોધવા સોખડા અને વાસણા-કોતરિયામાં પોલીસના દરોડા

દિવ્ય ભાસ્કર

Apr 30, 2020, 05:48 AM IST

વડોદરા. ગરીબોને ફાળવાયેલા ઘઉંના જથ્થાને બારોબાર વેચી દેવાના કૌભાંડનો જીલ્લા એલસીબી પોલીસે પર્દાફાશ કર્યા બાદ રાજુ મારવાડી, અનાજનો મોટો વેપારી જીતુ મકવાણા અને કોંગ્રેસ અગ્રણી ભાઇલાલ મકવાણાને શોધવા માટે બુધવારે ઠેર ઠેર દરોડા પાડયા હતા જેમાં ત્રણેય ફરાર થઇ ગયા હોવાનું જણાયું હતું. પોલીસે ત્રણેયના કોલ ડિટેઇલ મગાવી તેઓ કોની સાથે સંપર્કમાં હતા તેની પણ તપાસ શરૂ કરી હતી.  રાજુ મારવાડી ને શોધવા માટે પોલીસે બુધવારે તેના સોખડાના આશ્રયસ્થાનોમાં દરોડા પાડયા હતા, જોકે તે મળી આવ્યો ન હતો અને રાજસ્થાન તરફ ફરાર થઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું. 
જિલ્લા એલસીબી પીઆઇ ડી.બી.વાળાએ અનાજના જથ્થા સાથે પકડાયેલા કેયુર મકવાણાને મંગળવારે અદાલતમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી હતી. પોલીસે રેશનિંગ માફિયાઓ રાજુ મારવાડીની શોધખોળ કરતા બહાર આવ્યું હતું કે, અનાજ કૌભાંડ ઝડપાયા બાદ તે રાજસ્થાન તરફ ભાગી ગયો છે. ભાઇલાલ મકવાણા અને વાસણા કોતરીયાનો અનાજનો મોટો વેપારી જીતુ મકવાણા પણ ફરાર થઇ ગયો હોવાનું જણાયું હતું. પોલીસે  સોખડાની દુકાનમાંથી મળેલો વધારાના ઘઉં અને ચોખાના જથ્થાનું વેરિફકિેશન પણ પુરવઠા ખાતા દ્વારા કરાવ્યું હતું.આ ઉપરાંત રાજુ મારવાડી, જીતુ મકવાણા તથા ભાઇલાલ મકવાણા સહિતના આરોપીઓની મોબાઇલ કોલ ડિટેઇલ મેળવી તપાસ શરૂ કરાઇ હતી. 
કૌભાંડીઓ સોખડાની રેશનિંગની દુકાનમાંથી ઘઉંનો જથ્થો વગે કરીને મંજુસર જીઆઇડીસીની વિનાયક ફ્લોર મિલમાં આપવા જવાના હોવાનું બહાર આવતા જિલ્લા એલસીબી પોલીસે વિનાયક ફ્લોર મિલના માલકિોને નોટિસ આપી બોલાવ્યા છે. પોલીસે અનાજના જથ્થાના ટેમ્પા સાથે કેયુર મકવાણાને ઝડપી પાડ્યો તે પૂર્વે જ કેયુરનો પિતા અને અનાજનો મોટો વેપારી જીતુ મકવાણા સોખડાની દુકાનમાંથી પકિઅપ વાનમાં અનાજનો જથ્થો ભરીને ગયો હોવાથી તેની પણ તપાસ શરૂ કરાઇ છે.
5 મોટા કાળા બજારિયા શહેરમાં 200થી વધુ સસ્તા અનાજની દુકાનો હેન્ડલ કરે છે
લોકડાઉનના સમયમાં હાલ ગરીબોને વિનામૂલ્યે સરકારી અનાજનો પ્રમાણિત જથ્થો આપવામાં આવી રહ્યો છે, પરંતુ સરકારી અનાજની દુકાનો ચલાવતા નાના દુકાનદારો હવે મોટા કાળા બજારિયાઓથી પરેશાન થતાં દુકાનો બંધ કરવાની ફિરાકમાં છે. વડોદરામાં 5 થી 6 જેટલા મોટા કાળા બજારિયાઓ જ શહેરની 200 જેટલી દુકાનો હેન્ડલ કરી રહ્યા છે. જેમાં કઈ દુકાનમાં કેટલો જથ્થો મોકલવો અને અનાજનો જથ્થો કેવી રીતે-ક્યાં સગેવગે કરવો તે આ કાળા બજારિયાઓના હાથમાં હોય છે. જેના કારણે સસ્તા અનાજની દુકાનો ચલાવતા વેપારીઓ પણ પરેશાન થઈ ઊઠ્યા હોવાનું પુરવઠાનાં જ સૂત્રો જણાવી રહ્યાં છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર જો કોઈ દુકાનદારનો માલ સગેવગે થતાં ઝડપાય ત્યારે માત્ર દેખાવ ખાતર તેની દુકાન 90 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાય છે. જ્યારે 90 દિવસ બાદ મામલો શાંત પડતાં ફરીથી દુકાન ચાલુ કરી દેવાય છે. જ્યારે મહત્ત્વની બીજી વાત એ છે કે, કેટલાક દુકાનદારો ડુપ્લકિેટ સોફ્ટવેરના માધ્યમથી જે રાશનકાર્ડમાંથી અનાજ ન લેવાતું હોય તેમાં બીજાના થમ્બ લગાવીને અનાજ પણ સગેવગે કરતા હોય છે. આ પ્રકારનો જ એક કિસ્સો ફેબ્રુઆરી-2019માં આવ્યો હતો. જેમાં વડોદરા તાલુકાના પોઈચા ગામ ખાતે સરકાર તરફથી રેશનનો જે જથ્થો મળવા પાત્ર હોય તેના કરતાં ઓછા પ્રમાણમાં રાશનનો જથ્થો ગ્રાહકને ડુપ્લકિેટ સોફ્ટવેરના માધ્યમથી ડુપ્લકિેટ પાવતી બનાવીને અપાતો હોવાનો કિસ્સો બહાર આવ્યો હતો.
સરકારી અનાજમાં ઘઉં 3 પ્રકારના અને ચોખા 2 પ્રકારની ક્વોલિટીના આવતા હોય છે. જેમાં દુકાનદારો દ્વારા બીપીએલ કાર્ડધારકોને તો સવારે 9 વાગ્યા સુધી અનાજ આપવા બોલાવી લેવાય છે, પરંતુ એપીએલ કાર્ડ ધારકો જ્યારે અનાજ લેવા આવે ત્યારે તેમને અનાજનો જથ્થો સરકાર દ્વારા અપાયો ન હોવાનું જણાવી દઈ જથ્થો અપાતો ન હોવાનછ ફરિયાદો ઉઠી છે.
અનાજની કિટ આપવા વોર્ડ-વિસ્તાર પ્રમાણે 10 ટીમ બનાવાઇ
લોકડાઉનમાં ગરીબ અને નિરાધાર લોકો કે જેમની પાસે રેશનકાર્ડ પણ નથી તેવા લોકોને એક સમયનું પણ ભોજન મળી રહ્યું નથી. ભૂખથી ટળવળતા આ પરિવારોને ભોજન મળી રહે તે માટે કલેક્ટર દ્વારા વોર્ડ પ્રમાણે 10 ટીમોની રચના કરીને અનાજની કિટનું વિતરણ કરવાની કામગીરી હાથ ધરી છે. નાયબ કલેક્ટરના પરિપત્ર મુજબ, શહેરના કેટલાક વિસ્તારોમાં ગરીબ તેમજ નિરાધાર લોકોને ભોજન ન મળતું હોવાની મૌખકિ તેમજ લેખિત રજૂઆતો કલેક્ટર કચેરીમાં મળી રહી હતી. જેના કારણે તમામ લોકોને ભોજન મળી રહે તે માટે જે લોકો પાસે રેશનકાર્ડ કે અન્ય કોઈ પુરાવાઓ ધરાવતા નથી અને અત્યંત ગરીબ કે નિરાધાર અને ઘર વિહોણા કુટુંબ છે તેમને અન્નબ્રહ્મ યોજના અંતર્ગત વ્યક્તિ દીઠ ઘઉં-3.5 કિલો, ચોખા -1.5 કિલો,દાળ-1 કિલો,ખાંડ-1 કિલો અને મીઠું-1 કિલો આપવાની યોજના અમલમાં છે. ત્યારે શહેરમાં રહેનારા નિરાધાર લોકોને શોધવા માટે વોર્ડ તેમજ વિસ્તાર પ્રમાણે કુલ 10 ટીમો બનાવી છે. જેમાં મામલતદાર, નાયબ મામલતદાર,વોર્ડ ઓફિસર તેમજ તલાટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કલાકો સુધી લાઇનોમાં ઊભા રહ્યા બાદ જવાબ મળે છે, તમને અનાજ નહીં મળે
દિવ્ય ભાસ્કરે નંબર 8239978611 આપી અનાજ નહીં મળ્યુ હોય તો જાણકારી મોકલવા જણાવ્યું હતું, જેમાંથી કેટલાક કિસ્સા અહીં આપવામાં આવ્યા છે. જેનાથી ફલિત થાય છે કે ગરીબોને અનાજ મળતુ નથી અને વગે થઈ જાય છે.
કિસ્સો – 1 / આજવા રોડ: આજવા રોડ વિસ્તારમાં રહેતા કરકટે લક્ષ્મણરાવ  એપીએલ -1 કાર્ડ ધરાવે છે. વાડી વિસ્તારની રેશનિંગની દુકાનમાં 13 તારીખે અને 25 તારીખે  અનાજ લેવા ગયા ત્યારે તેમને દુકાનદાર તરફથી જવાબ મળ્યો હતો કે તમને અનાજ નહી મળે. બે વાર ધક્કા ખાધા બાદ પણ અનાજ અપાયું નથી. 
કિસ્સો – 2 / વારસિયા રિંગ રોડ: વારસીયા રીંગ રોડ રહેતા અલ્પેશ દરજી 17 એપ્રિલે પોતાનું કાર્ડ લઇને રેશનિંગની દુકાને અનાજ લેવા ગયા ત્યારે તેમને 10 કિલો ઘઉં આપ્યા ન હતા. દુકાનદારે પાવતી આપીને કહ્યું હતું કે ફોન આવે ત્યારે ઘઉં લેવા આવજો. જો કે ત્યારબાદ દુકાનદારનો ફોન સુદ્ધા આવ્યો નથી.
કિસ્સો – 3 / કરોડિયા: કરોડિયાના આસીફ અજમેરી અનાજ લેવા રેશનિંગની દુકાનમાં અત્યાર સુધી ઘણા ધક્કા ખાધા હતા પણ દુકાનદારે જવાબ આપ્યો હતો કે સ્ટોક જ નથી. ગત 18 તારીખે અનાજ લેવા માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા હતા અને જયારે નંબર આવ્યો ત્યારે જવાબ મળ્યો હતો કે સ્ટોક જ નથી.  
કિસ્સો – 4 / તરસાલી: તરસાલી નોવીનો રોડ પર રહેતા મયુર જોષી પાસે એપીએલ-1 કાર્ડ છે તેઓ તરસાલી ગામમાં આવેલી રેશનિંગ્ની દુકાને 18 તારીખે અનાજ લેવા ગયા ત્યારે તેમને 21 તારીખે બોલાવાયા હતા. તેઓ બે વાર ધક્કા ખાઇને અનાજ લેવા ગયા પણ તેમને હજું સુધી અનાજ મળ્યું નથી.

Source link

Leave a Comment

%d bloggers like this: