Shivanand Jha|અત્યાર સુધી પોલીસ પર હુમલો કરવા બદલ 20 ગુના નોંધી 46 લોકો સામે કાર્યવાહી કરવામાં આવીઃ શિવાનંદ ઝા

દિવ્ય ભાસ્કર

May 01, 2020, 08:10 PM IST

અમદાવાદ. કોરોના વાઇરસના કેસ દિવસે ને દિવસે વધી રહ્યાં છે ત્યારે સમગ્ર રાજ્યમાં લોકડાઉનનો અમલ ચુસ્તપણે થાય તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. જેમાં પોલીસ વિભાગ પણ સતર્કતાથી ફરજ બજાવી રહ્યા છે. આ મામલે ગુજરાત રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રેસકોન્ફરન્સમાં કહ્યું હતું કે, નાગરિકો માસ્ક પહેર્યા નગર બહાર ના નીકળે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે અને વારંવાર હાથ ધોવાનો સંકલ્પ લે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉનના ચુસ્ત પાલન માટે નાગરિકોનો સહયોગ જરૂરી છે. 

કોરોના વોરિયર્સ પર હુમલો કરવા બદલ કાર્યવાહી કરી
કોરોના વોરિયર્સ પર થતા હુમલાઓને વખોડી તેમણે આ પ્રકારના તત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની વિગત આપતા જણાવ્યું હતું કે, 28 માર્ચે સાબરકાંઠામાં પોલીસ પર જે હુમલો થયો હતો તે મામલે એક આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેટલું જ નહીં મોરબીમાં 19 એપ્રિલે પોલીસ ઉપર થયેલા હુમલા મામલે પણ એક આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધી પોલીસ પર હુમલો કરવાના 20 ગુના અંતર્ગત 46 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

વિવિધ ગુના અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી
આ ઉપરાંત વિવિધ ગુનાઓ અંગે માહિતી આપતા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, ડ્રોન સર્વેલન્સથી અત્યાર સુધીમાં 10,391 ગુનાઓ નોંધવામાં આવ્યા છે અને તે અંતર્ગત 20,042 લોકોની અટકાયત કરવામાં આવી છે. સીસીટીવી સર્વેલન્સ અંતર્ગત 2119 ગુના નોંધી 3163 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સોસાયટીમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ મારફતે 434 ગુનાઓ નોંધી 695 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ સિવાય સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવા બદલ અત્યાર સુધીમાં 585 ગુના અંતર્ગત 1229 લોકોની અટકાયત કરવામાં આવી છે. જ્યારે 533 જેટલા એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે. વીડિયોગ્રાફી અને ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR)થી અત્યાર સુધીમાં અનુક્રમે 1686 અને 830 ગુના નોંધવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં જાહેરનામાના ભંગના 2334 કેસ, ક્વોરન્ટીન ભંગના 1312 કેસ નોંધાયા છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં વિવિધ ગુના અંતર્ગત 1.15 લાખ લોકોની અટકાયત કરવામાં આવી છે.

Source link

Leave a Comment

%d bloggers like this: