Slum children’s soccer team ‘Indian Cheetahs’ top school teams in sports|ઝૂંપડપટ્ટીના બાળકોની ફુટબોલ ટીમ ‘ઇન્ડિયન ચીતાઝ’ ટોપ સ્કૂલ ટીમોમાં, એક બાળક નેશનલ ટીમમાં પહોંચ્યો

  • ટીમની રમત એવી કે દરેક ટુર્નામેન્ટમાં ફ્રી એન્ટ્રી
  • ચંડીગઢની ઝૂંપડપટ્ટીના બાળકો કમાલ દેખાડી રહ્યા છે, ટાઢી રોટલી તેમનું પ્રોટીન ડાયટ
     

Divyabhaskar.com

Mar 09, 2020, 01:30 AM IST

મનીષા ભલ્લા, ચંડીગઢ: ‘ઇન્ડિયન ચીતાઝ’. આ જ નામ આપ્યું છે ચંડીગઢ ફુટબોલ એસોસિયેશને સ્લમના બાળકોની ટીમને. આ ટીમમાં ચંડીગઢ અને આસપાસની ઝૂંપડપટ્ટીના 50 બાળકો રમે છે. ચીતાઝ નામ એટલા માટે કે આ બાળકો દોડતા હોય ત્યારે એવું લાગે કે જાણે હવા સાથે વાતો કરતા હોય. આ ટીમ પ્રોટીન ડાયટ અને મોંઘાં શૂઝ, ટી-શર્ટ પહેરતી ઘણી કોન્વેન્ટ સ્કૂલોની ટીમો પર ભારે પડી રહી છે. તેમની રમત જોઇને એસોસિયેશન કોઇ પણ ઇવેન્ટમાં તેમની પાસેથી એન્ટ્રી ફી નથી લેતું. ઘરેથી લવાયેલી, મમ્મીએ બનાવેલી રોટલીઓ તેમની તાકાત બની છે. ફુટપાથ પર વેચાતી ટી-શર્ટ અને 200-300 રૂ.વાળા સામાન્ય શૂઝ પહેરે છે.
ટીમના કેટલાક બાળકો આજે પણ ઉઘાડા પગે રમે છે. સતત સારું રમતા બાળકોને એસોસિયેશને ફુટબોલ કિટ આપી છે. કેટલાકની અન્ય ટીમોના બાળકોએ પણ મદદ કરી છે. તેઓ પોતાના શૂઝ તથા અન્ય વસ્તુઓ આ બાળકોને આપી દે છે. તાજેતરમાં આ ટીમનો દીપક અન્ડર 15 નેશનલ ટીમમાં સિલેક્ટ થયો છે. તે 14 વર્ષનો છે અને તેના પિતા રોજમદાર મજૂર છે. આ જ રીતે 12 વર્ષનો ચંદનપાલ 3 વર્ષથી ટીમમાં છે. પાંચમા ધોરણમાં ભણે છે. તેના પિતા દદન કુમાર દૂધ વેચે છે. ટીમના સઇમ અને આદિત્યના પિતા શાકભાજી વેચે છે. ટીમના મોટા ભાગના બાળકોના ઘરની આવી જ હાલત છે.
એસોસિયેશનના અધ્યક્ષ કે. પી. સિંહ જણાવે છે કે આ બાળકો ચંડીગઢની ટોચની સ્કૂલોની ટીમો સાથે રમે છે. અમે ગયા વર્ષે ચંડીગઢમાં બેબી લીગ રમાડી હતી, જેમાં આ ટીમનો દેખાવ શાનદાર રહ્યો હતો. ચાલુ વર્ષે તો આ બાળકોની ટીમ રનરઅપ રહી છે. આ જીતએ બાળકોનો આત્મવિશ્વાસ ખૂબ વધારી દીધો છે. હજુ એક વર્ષ અગાઉ તેઓ વાત કરવામાં પણ ડરતા હતા. ગ્રાઉન્ડ પર પણ ડરતાં-ડરતાં આવતા. આજે પોશ સ્કૂલોના બાળકો પણ મેચ દરમિયાન તેમને ચીયર કરવા આવે છે. હવે આ ટીમ ચંડીગઢની ટોચની 6 સ્કૂલ ટીમો પૈકી એક છે.
પોતે ફુટબોલર ન બની શક્યા તો શવિન્દ્ર બાળકોને શીખવવા લાગ્યા
આ બાળકોના કોચ શવિન્દ્ર સિંહ છે. ફુટબોલર બનવાનું સપનું નબળી નાણાકીય સ્થિતિના કારણે સાકાર ન થયું તો તેમણે સ્લમના બાળકોને ફુટબોલ શીખવવાનું શરૂ કર્યું. તેઓ જ બાળકોની આ ટીમને પહેલી વાર એસોસિયેશનના ગ્રાઉન્ડ સુધી લઇને ગયા હતા. બાળકોની નાની-મોટી જરૂરિયાતો પોતાના સ્તરે જ પૂરી કરી લે છે.

Source link

Leave a Comment

%d bloggers like this: