State government tries to open industrial units, imposes fines on employees who go to work saying there is an order from the police|રાજ્ય સરકાર ઔદ્યોગિક એકમો ખોલવા પ્રયત્ન કરે છે, પણ પોલીસે બાઇક પર નોકરીએ જતા કર્મચારીઓને દંડ કરતા 170 કંપનીઓ બંધ થઇ

  • વડોદરા આસપાસ આવેલી મંજુસર અને વાઘોડિયા GIDCની કંપની શરૂ થતાની સાથે જ બંધ કરવી પડી
  • પોલીસે 500 રૂપિયા દંડ વસુલવાનું શરૂ કરતા કર્મચારીઓમાં રોષ, નોકરી પર જવાનું બંધ કરી દીધુ

જીતુ પંડ્યા

જીતુ પંડ્યા

Apr 28, 2020, 11:42 PM IST

વડોદરા. એકતરફ રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર લોકડાઉનના મારથી અર્થતંત્રની તૂટી ગયેલી કમરને સીધી કરવા અમુક ઔદ્યોગિક એકમોને ખોલવા પ્રયત્ન કરી રહી છે, ત્યારે પોલીસ ઉપરથી ઓર્ડર છેના એકસૂત્રીય કાર્યક્રમ વડે બધુ બંધ કરાવવા નીકળી પડી છે. રાજ્ય સરકારના અનુરોધથી અસરવિહોણા વિસ્તારોની જીઆઈડીસીમાં જે ઉદ્યોગો ખુલ્યા છે, તેમાં નોકરી માટે ટુ-વ્હીલર પર જતા લોકો પાસેથી પોલીસ રૂ. 500નો દંડ કરી રહી છે અને જે દંડ ન કરે તેના વાહનો ડિટેઈન કરી રહી છે. આ કારણે વડોદરાની આસપાસ આવેલી જીઆઈડીસીમાં 170 જેટલી નાની ઈન્ડસ્ટ્રીઝ બંધ થઈ ગઈ છે, કારણ કે તે પોતાના કર્મચારીઓ માટે બસની સુવિધા કરી શકે તેમ નથી. આમ, વડોદરામાં વહીવટીતંત્ર અને પોલીસ વચ્ચે સંકલનના સદંતર અભાવનો સર્વોત્તમ કિસ્સો જોવા મળ્યો છે.
કર્મચારીઓ નોકરી પર જઇ ન શકતા કંપનીઓ બંધ કરવી પડી રહી છે
સરકાર દ્વારા અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે લોકડાઉન અમલ વચ્ચે કડક નિયમો સાથે કંપનીઓ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ, સરકારના મનસ્વી અને આકરા નિયમોના કારણે કર્મચારીઓને પોલીસ તંત્રના હાથે દંડાવાનો વખત આવ્યો છે. સરકારી તંત્ર અને પોલીસ તંત્રના સંકલનના અભાવને કર્મચારીઓ નોકરી ઉપર જઇ ન શકતા કંપનીઓ શરૂ થતાંની સાથે લોકડાઉન કરવાનો વખત કંપની માલિકોને આવ્યો છે.
સરકારી ગાઇડલાઇન નેવે મુકીને કંપનીઓ શરૂ કરી દેવાઇ 
સરકારી તંત્ર દ્વારા વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની મંજુસર જી.આઇ.ડી.સી. અને વાઘોડિયા તાલુકાની વાઘોડીયા જી.આઇ.ડી.સી.ની 170 જેટલી કંપનીઓને કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન મુજબ કંપનીઓ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. સરકાર દ્વારા કંપનીઓ શરૂ કરવા માટે નક્કી કરવામાં આવેલી ગાઇડ લાઇનમાં કંપનીએ કર્મચારીઓ માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા, સેનેટાઇઝર તેમજ માસ્ક સહિતની સુવિધા ઉપરાંત જરૂર પડે તેવા કર્મચારીઓ માટે રહેવાની વ્યવસ્થા કરવાની હતી. પરંતુ, કંપનીઓ દ્વારા સરકારની ગાઇડલાઇન નેવે મુકીને કંપનીઓ શરૂ કરી દેવામાં આવી હતી.
પોલીસે 500 રૂપિયા દંડ વસુલવાનું શરૂ કરતા કર્મચારીઓમાં રોષ
જે કંપનીઓ શરૂ થઇ હતી, તે કંપનીઓ પૈકી મોટા ભાગની કંપનીઓ માટે ટ્રાન્સપોર્ટની સુવિધા કર્મચારીઓ માટે કરવી અશક્ય હતી. આથી તે કંપનીઓના કર્મચારીઓ મોટર સાઇકલ લઇને કંપનીઓમાં ગયા હતા. આ અંગેની જાણ સાવલી તાલુકાના ભાદરવા પોલીસ અને વાઘોડિયા પોલીસને થતાં પોલીસ જી.આઇ.ડી.સી.માં પહોંચી ગઇ હતી. અને કર્મચારીઓની ટ્રાન્સપોર્ટની સુવિધા ન કરનાર કંપનીઓ સામે કાર્યવાહી કરવાને બદલે કર્મચારીઓની મોટર સાઇકલો ડિટેઇન કરીને રૂપિયા 500 દંડ વસુલ કરતા કર્મચારીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.
અધિકારી કહે છે કે, આગામી બે-ત્રણ દિવસમાં કર્મચારીઓ અને કંપની માલિકોનો પ્રશ્ન હલ થઇ જશે
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીએ જણાવ્યું હતું કે, કંપનીઓને કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન મુજબ કંપનીઓ શરૂ કરવાની હતી. પરંતુ, કંપનીઓ દ્વારા ગાઇડ લાઇનનો અમલ કરવામાં આવ્યો નથી. પોલીસ તંત્ર દ્વારા કર્મચારીઓની મોટર સાઇકલો ડિટેઇન કરીને દંડ વસુલ કરવામાં આવ્યો હોવાની રજૂઆત કંપનીના એસોસિએશનની ફરિયાદો અમોને મળી છે. અને આ ફરિયાદો અમે દિલ્હી સુધી પહોંચાડી છે. આગામી બે-ત્રણ દિવસમાં કર્મચારીઓ અને કંપની માલિકોનો પ્રશ્ન હલ થઇ જશે.
પોલીસ કહે છે કે, અમે માત્ર જિલ્લા કલેક્ટરના પરિપત્રનો અમલ કર્યો છે, બાઇક લઇને નોકરી આવતા કર્મચારીઓ પ્રતિબંધ મુક્યો છે
ભાદરવા અને વાઘોડિયા પોલીસે જણાવ્યું હતું કે, અમે માત્ર જિલ્લા કલેક્ટરના પરિપત્રનો અમલ કર્યો છે. જી.આઇ.ડી.સી.માં બાઇક લઇને નોકરી આવતા કર્મચારીઓ પ્રતિબંધ મુક્યો છે. અમે બાઇક લઇને નોકરી ઉપર આવેલા કર્મચારીઓની બાઇકો ડીટેઇન કરીને રૂપિયા 500 દંડ વસુલ કર્યો છે. અને કર્મચારીઓને બાઇક લઇને નોકરી ન આવવા માટે લાઉડ સ્પિકર દ્વારા સૂચના આપવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા મંજુસર અને વાઘોડિયા જી.આઇ.ડી.સી.માં 150 જેટલા વાહનો ડીટેઇન કરીને રૂપિયા 500 દંડ વસુલ કરવામાં આવ્યો છે. 
પોલીસે બાઇક ડિટેઇન કરીને દંડ વસુલતા ફફડી ઉઠેલા કર્મચારીઓએ નોકરી ઉપર જવાનું બંધ કરી દીધું 
મંજુસર જી.આઇ.ડી.સી. અને વાઘોડિયા જી.આઇ.ડી.સી.માં નોકરી જતાં કર્મચારીઓની બાઇક પોલીસે ડિટેઇન કરીને દંડ વસુલતા ફફડી ઉઠેલા કર્મચારીઓએ નોકરી ઉપર જવાનું બંધ કરી દીધું છે. જેના પગલે મંજુસર જી.આઇ.ડી.સી. અને વાઘોડિયા જી.આઇ.ડી.સી.માં શરૂ કરવામાં આવેલી 170 જેટલી કંપનીઓ શરૂ થતાં ની સાથે જ બંધ કરવાની કંપની માલિકોને ફરજ પડી છે.
કર્મચારીઓ માટે ટ્રાન્સપોર્ટની સુવિધા કરવી અશક્ય છે
શ્રીજી એન્જિનિયરના માલિક સચિન ગુપ્તાએ જણાવ્યું હતું કે, મંજુસર અને વાઘોડિયા જી.આઇ.ડી.સી.માં 5થી 15 કિલો મીટર સુધીના ગામના યુવાનો નોકરી ઉપર આવે છે. ત્યારે આ કર્મચારીઓ માટે ટ્રાન્સપોર્ટની સુવિધા કરવી અશક્ય છે. કંપનીઓ દ્વારા સેનેટાઇઝર, માસ્ક જેવી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. પરંતુ, નાની કંપનીઓ દ્વારા કર્મચારીઓ માટે ટ્રાન્સપોર્ટની સુવિધા પૂરી પાડવી અશક્ય છે. અમોએ કંપનીઓને પડી રહેલી મુશ્કેલીઓને પડી રહેલી મુશ્કેલીઓ દૂર કરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.

Source link

Leave a Comment

%d bloggers like this: