To relieve the heat, Lord Swaminarayan wore a sandalwood wagha made of 25 kg of silver.|ગરમીમાંથી રાહત મળે તે માટે ભગવાન સ્વામિનારાયણને 25 કિલો ચંદનમાંથી બનાવેલા ચંદનના વાઘા પહેરાવ્યા

દિવ્ય ભાસ્કર

May 05, 2020, 09:12 AM IST

અમદાવાદ. મણિનગરના કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને ગરમી ન લાગે તે માટે ચંદનના વાઘા પહેરાવવામાં આવ્યા છે. આ વાઘા ૨૫ કિલો ચંદનમાંથી બનાવવામાં આવ્યા છે. આ વાઘા ધરાવવાથી ભગવાનને વધુ ઠંડક પ્રાપ્ત થતી હોય છે અને વાઘા ધરાવ્યા બાદ આ ચંદનનો સર્વ શ્રેષ્ઠ ઉપયોગ થાય, તથા ભગવાનનો સ્પર્શ થયેલ ચંદન દરેકને પ્રાપ્ત થાય એટલા માટે આ ચંદનના વાઘામાંથી ચંદનની ગોટીઓ બનાવવામાં આવે છે અને તે ભકતોને આપવામાં આવે છે.તે ગોટીમાંથી ભકતો નિત્ય ચંદન ઘસીને પોતાના કપાળે લગાવે છે અને તિલક કરે છે.

ચંદનના વાઘા શીતળતા આપે છે
સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે – સ્વયં મુખવાણી વચનામૃત ગ્રંથના ગઢડા છેલ્લા પ્રકરણના ર૩માં વચનામૃતમાં કહયું છે કે, ઋતુ અનુસાર ભગવાનની સેવા ચાકરી કરવી જોઈએ. તેથી ઉનાળો આવે ત્યારે ભગવાનને ગરમીમાંથી રાહત મળે અને ઠંડક પ્રાપ્ત થાય તે માટે ભગવાનને ઝીણા વસ્ત્રો ધરાવવા જોઈએ. પરંતુ વૈશાખ માસની અસહ્ય ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય તે માટે ભગવાનને ચંદનના વાઘાના કલાત્મક શણગાર સજવામાં આવે છે. આ ચંદનના વાઘા એરકન્ડીશન કરતાં પણ વધુ ભગવાનને ઠંડક એટલે કે, શીતળતા આપે છે. 

લાઇવ દર્શનનો લાભ પણ ભક્તોએ લીધો
લોકડાઉનના કારણે વૈશાખ સુદ એકાદશી-મોહિની ભાગવત એકાદશીના પવિત્રતમ દિને ચંદનના કલાત્મક શણગારમાં અભયદાન અર્પતા સ્વામિનારાયણ ભગવાન, ઘનશ્યામ મહાપ્રભુજીની શણગાર આરતી દાર્શનિક સાર્વભૌમ આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે ઉતારી હતી. પૂજનીય સંતોએ દર્શન, સ્તુતિ, પ્રાર્થના તથા કીર્તન સ્તવન કર્યું હતું. લોકડાઉનને લીધે સત્સંગીઓને દર્શન માટે મનાઈ હતી પરંતુ સ્વામિનારાયણ મંદિર, મણિનગરથી લાઈવ દર્શન અને યુટયુબ ચેનલના માધ્યમથી દેશ-વિદેશમાં વસતા તમામ સત્સંગી હરીભકતોને દર્શન કરાવવામાં આવ્યાં હતાં.

Source link

Leave a Comment

%d bloggers like this: